દંતમંજન ત્વચાને પણ દમકાવશે

ચહેરાની કાળજી માટે આપણે ઘણા નુસખા અજમાવતા હોઇએ છીએ. આ નુસખા પૈકીનો એક નુસખો છે ટૂથપેસ્ટ(દંતમંજન)નો ઉપયોગ.

ખીલ દૂર કરવા
ચહેરાને પાણીથી સાફ કરી લો. ત્યાર બાદ ખીલ પર એકદમ થોડી માત્રામાં ટૂથપેસ્ટ લગાવો. ૧૫-૨૦ મિનિટ સુધી ટૂથપેસ્ટ લગાવી રાખ્યા બાદ ચહેરાને હૂંફાળા પાણીથી સ્વચ્છ કરી લો.

બ્લેકહેડ્સ દૂર કરવા
મોટા ભાગની વ્યક્તિઓ(મહિલા અને પુરુષો બંને) બ્લેકહેડ્સની સમસ્યાથી પીડાતી હોય છે. એકદમ થોડી માત્રામાં ટૂથપેસ્ટ, મીઠું અને ફુદીનો લઇને મિક્સરમાં વાટી લો. આ મિશ્રણને બ્લેકહેડ્સ પર લગાવો. ૫ાંચ મિનિટ સુધી મસાજ કરો અને બાદમાં ચહેરાને પાણીથી ધોઈ લો.

ચહેરા પરના ડાઘ હટાવવા
ચહેરા પર જ્યાં જ્યાં ડાઘ કે ધબ્બા હોય તેના પર એકદમ થોડી માત્રામાં ટૂથપેસ્ટ લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ઊઠીને ચહેરો હૂંફાળા પાણીથી સાફ કરી લો. નિયમિત રીતે આ પ્રક્રિયા કરવાથી ડાઘ-ધબ્બા દૂર થવા લાગશે.

દુર્ગંધ દૂર કરવા
ઘણી વાર લસણ કે અન્ય કોઇ વસ્તુના ઉપયોગને કારણે હાથમાં વાસ આવતી હોય છે. એવા સમયે થોડી ટૂથપેસ્ટ હાથમાં લઇને, તેને હથેળી પર બરાબર લગાવી, થોડા સમય બાદ હાથ ધોઇ નાખવાથી હાથમાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જશે.

નખની સુંદરતા વધારવા
થોડી ટૂથપેસ્ટ લઇ તેને નખ પર લગાવી દો. થોડી વાર સુધી મસાજ કર્યા બાદ નખને પાણીથી સાફ કરી લો. બીજી એક રીતે એ છે કે ટૂથપેસ્ટને પાણીમાં ઘોળી દો. થોડી વાર સુધી આ પાણીમાં નખ ડુબાડી રાખો અને ત્યારબાદ નખને સ્વચ્છ પાણીથી સાફ કરી લો. સમયાંતરે આ પ્રક્રિયા કરવાથી નખ પરની પીળાશ દૂર થશે અને નખ મજબૂત બનશે.

ટૂથપેસ્ટની પસંદગીમાં રાખો કાળજી
સફેદ રંગની ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. લાલ, લીલા કે ભૂરા રંગની પેસ્ટ ન વાપરો. તેમાં મોટા પ્રમાણમાં ટ્રાયક્લોસિન, બેકિંગ સોડા અને હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે જે ત્વચાને નુકસાન કરે છે. આ ઉપરાંત જે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડની માત્રા ઓછી હોય તેનો ઉપયોગ કરો. પેસ્ટના ઉપયોગને કારણે ઘણી વાર ત્વચા પર બળતરા થવાની, લાલ ચકામાં અને ઉઝરડા પડવાની ઘટના ઘટતી હોય છે. તેથી ખૂબ કાળજીપૂર્વક અને એકદમ થોડી માત્રામાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે. ટીથ વ્હાઇટનિંગ એટલે કે દાંતને ચમકદાર અને સફેદ બનાવે એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનું ટાળો. આ પ્રકારની ટૂથપેસ્ટમાં મોટા પ્રમાણમાં બ્લીચ હોય છે, જે ત્વચા પર લગાવવાથી ત્વચા બળવા લાગે છે, તેથી આવા પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ ટાળો અથવા તકેદારી રાખો.
હેતલ ભટ્ટ

You might also like