શિયાળામાં સ્કિનની ડ્રાયનેસને કહો Good Bye

શિયાળામાં ત્વચા સૂકી અને નિસ્તેજ બની જવાની સમસ્યા લગભગ દરેક માનુનીને સતાવે છે. આ સમસ્યાથી બચવા માટે દરેક વખતે બ્યુટી ટ્રીટમેન્ટ લેવાનો સમય પ્રત્યેક પાસે હોય એ જરૂરી નથી હોતું. આવા સંજોગોમાં વર્કિંગ વુમન માટે સ્કિનકૅરના ઘરગથ્થુ ઉપચાર વર્ણવતાં રેડિયન્સ બ્યુટી સલૂનનાં મોનિકા ઉદ્દેશી જણાવે છે કે, ‘સ્કિનને હેલ્ધી બનાવવા સારો ખોરાક લેવો એ સૌ પ્રથમ જરૂરિયાત છે.

આ માટે ખોરાકમાં એન્ટિ ઓક્સિડેન્ટનું પ્રમાણ વધુ હોય તે જરૂરી છે. આ માટે લીલાં શાકભાજી, ફળ અને સલાડનો ખોરાકમાં વધુ ને વધુ સમાવેશ કરો. દરરોજ નિયમિત આઠથી નવ કલાકની ઊંઘ પણ સ્કિનકૅર માટે જરૂરી છે.’

બદામનું તેલ શિયાળામાં સૂકી ત્વચા માટે ઉત્તમ છે. અડધી ચમચી બદામના તેલમાં એક ચમચી મિલ્ક પાવડર, મધ-લીંબુનો રસ ભેળવી આ પેક ફેસ પર ૧૫ મિનિટ એપ્લાય કરી ફેસ પાણીથી ધોઈ નાખવાથી સ્કિન સોફ્ટ અને ગ્લોસી બને છે.

સ્કિનની ડ્રાયનેસ ઓછી કરવા ઘરગથ્થુ ટિપ્સ

* ચારથી પાંચ બદામને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે તેની છાલ કાઢી તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટમાં એક ચમચી ચણાનો લોટ, એક ચમચી દૂધ અને ચાર ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટથી ફેસ પર પંદર મિનિટ મસાજ કરી ફેસ સાદા પાણીથી ધોઈ નાખો. અનાથી સ્કિન ગોરી થશે તેમજ ચોખ્ખી પણ થશે

* એક આખો કપ ફુદીનાનાં પાનની મિક્સરમાં પેસ્ટ બનાવી એ પેસ્ટને ચહેરા પર લગાવી સુકાવા દો. પેસ્ટ સુકાયાના ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો. સતત પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સ્કિનની ડ્રાયનેસ ઓછી થાય છે અને સ્કિનને ગ્લો કરે છે.

* એક ચમચી ઓલિવ ઓઇલ, દૂધ અને અડધી ચમચી મધને મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી ૧૦ મિનિટ રાખી મૂકો. પછી રૂનાં પૂમડાંને ગરમ પાણીમાં બોળીને તેનાથી ચહેરા પરની પેસ્ટ દૂર કરો.

* એલોવેરાનો પલ્પ લઈ તેમાં એકથી બે ચમચી દૂધનો પાવડર તેમજ એક ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પર બ્રશ વડે એપ્લાય કરો. પેસ્ટ સુકાય ત્યાર બાદ ફરી બીજો કોટ બ્રશ વડે લગાડો. બાદમાં ફેસને પાણીથી ધોઈ નાખો.

* શિયાળામાં ઓઇલી સ્કિન હોય તે પણ ક્યારેક પરેશાન થઈ જતાં હોય છે. ઓઇલી સ્કિન હોય તેમણે બે ચમચી ઓરેન્જ જ્યૂસ, બે ચમચી મધ અને બે ચમચી ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટને ફેસ પર એપ્લાય કરવી. પંદર મિનિટ બાદ ફેસને ભીના ફેસ-ટોવેલથી સાફ કરવો અને બાદમાં ચોખ્ખા પાણીથી ફેસ ધોઈ નાખવો.

સોનલ અનડકટ

You might also like