સમરમાં સ્કિનકેર

બળબળતા ઉનાળામાં સ્કિનની સમસ્યાઓમાં વધારો થાય છે. ખાસ કરીને જેમની સ્કિન ઓઈલી હોય તેમને ખીલ અને બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ વધુ સતાવવા લાગે છે. ઉપરાંત તડકાના કારણે સ્કિનટૉન પણ બદલાય છે. ઉનાળામાં ત્વચાની સંભાળ અંગે ટિપ્સ આપતાં પ્રિયંકા બ્યુટી પાર્લરનાં પ્રિયંકા મોદી જણાવે છે કે, “ઉનાળામાં ત્વચાની બાહ્ય રીતે સંભાળ રાખવાની સાથે સાથે હેલ્ધી ફૂડ લેવું એટલું જ જરૂરી છે.

ઉનાળામાં પાણી સૌથી વધુ લેવાની સાથે સાથે ફ્રૂટ્સ પણ લેવાં જોઈએ. તરબૂચ, સંતરાં, દ્રાક્ષ અને ખાસ કરીને કીવી લેવાનું રાખો. સાથેસાથે લીંબુ શરબત અને શેરડીનો રસ પણ લેવાં જોઈએ. પપૈયું ગરમ ફળ હોવાથી તેને આ સિઝનમાં લેવાનું ટાળો. ગરમીમાં હવે ધીમેધીમે વધારો થવાનો છે તેથી શક્ય હોય ત્યાં સુધી એકદમ ગરમ ખોરાક લેવાનું ટાળો. જમીને તરત જ પાણી પીવું પણ હિતાવહ નથી. જમ્યા બાદ અડધા કલાકે પાણી લો.”

સ્કિનકેર માટે ઘરગથ્થુ ઉપચાર
* ઓઈલી સ્કિન હોય તો ઢોકળાંનો લોટ અને ચણાનો લોટ એકએક ચમચી લઈ તેમાં દૂધ અને ચપટી હળદર ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટથી પાંચ મિનિટ મસાજ કરો. આ પેસ્ટથી બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ નીકળી જશે. મસાજ બાદ પેસ્ટ સુકાય ત્યાં સુધી રાખો અને બાદમાં પાણીથી ચહેરો ધોઈ લો. સ્કિન શાઈની બનશે. અઠવાડિયે એક વાર આ પેસ્ટ એપ્લાય કરો

* ઉનાળામાં ખીલની સમસ્યામાં વધારો થાય છે. ખીલ માટે કેળાંની છાલનો ચીકણો ભાગ ચહેરા પર પાંચ-સાત મિનિટ ઘસીને ચહેરો પાણીથી ધૂઓ.

* ડ્રાય સ્કિન હોય તો એલોવેરાને કાપીને તેના પલ્પથી ચહેરા પર પાંચ મિનિટ મસાજ કરો અને સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો.

* ચહેરા પર તેમજ શરીરના કોઈ પણ ભાગ પર કાળા ડાઘ પડી ગયા હોય તો તેના પર બટાકાની સ્લાઈસ અથવા બટાકાની છાલનો ચીકણો ભાગ પણ ઘસી શકાય.

* ઉનાળામાં આંખોની ઠંડક માટે બહારથી આવ્યા બાદ ખીરાકાકડીની સ્લાઈસ આંખો પર મૂકો. કાચા દૂધમાં રૂનાં પૂમડાં બોળીને તેને આંખો પર મૂકી શકાય.

* માથામાં ઠંડક માટે મેંદી, એલોવેરા પલ્પ અને મુલતાની માટીને પાણી સાથે મિક્સ કરી આ પેસ્ટ સમગ્ર સ્કૅલ્પ અને વાળમાં એપ્લાય કરો. અડધો કલાક બાદ સાદા પાણીથી વાળ ધોઈ લઈને માથું સૂકવી વાળમાં તેલ નાખો. બીજા દિવસે વાળને શેમ્પૂ કરો.

* સનટૅન દૂર કરવા દર ત્રણ મહિને બ્લીચ કરાવો તેમજ ઉનાળામાં કાળા પડી ગયેલા હાથ-પગનું ટેનિંગ દૂર કરવા દર મહિને પેડિક્યોર અને મેનિક્યોર કરાવો.

* સ્કિનને ટાઈટ બનાવવા માટે મુલતાની માટીને ગુલાબજળ, પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી આ પેસ્ટ સુકાય ત્યાં સુધી ચહેરા પર રાખી મૂકી ચહેરો પાણીથી ધોઈ લો.

સોનલ અનડકટ

You might also like