દિલ્હીમાં સ્કૂલબસના ડ્રાઇવરને ગોળી મારીને છ વર્ષના બાળકનું અપહરણ

નવી દિલ્હી: પૂૂર્વ દિલ્હીમાં આજે સવારે અપહરણની એક મોટી ઘટના બનતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કેટલાંક અજાણ્યાં તત્ત્વો સ્કૂલબસના ડ્રાઇવરને ગોળી મારીને પહેલા ધોરણમાં ભણતા છ વર્ષના એક બાળકનું સ્કૂલબસમાંથી જ અપહરણ કરી ઉઠાવી જતાં હડકંપ મચી ગયો હતો.

આ ઘટના દિલ્હીના દિલશાદ વિસ્તારમાં ઘટી હતી કે જ્યાં અપહરણકારોએ સૌ પહેલાં સ્કૂલબસના ડ્રાઇવરને ગોળી મારી હતી. ત્યારબાદ આ બાળકનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે તે દિલ્હીના શાહદરા વિસ્તારમાં રહે છે અને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે બાળકનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે સ્કૂલબસમાં ર૦થી વધુ બાળકો સવાર હતાં અને તેઓ સ્કૂલે જઇ રહ્યાં હતાં.

આ ઘટનાને લઇ હંગામો મચી ગયો છે, કારણ કે પ્રજાસત્તાક દિવસની સુરક્ષા અંગે કરવામાં આવેલા સજ્જડ બંદોબસ્તના દાવા વચ્ચે જ્યારે સરેઆમ સ્કૂલબસમાંથી એક બાળકનું અપહરણ થઇ જતાં સુરક્ષાના દાવાઓ સામે ગંભીર સવાલ ઊભા થયા છે. એવું કહેવાય છે કે બે બાઇકસવારોએ સ્કૂલબસનો પીછો કર્યો હતો. ત્યારબાદ સ્કૂલબસને આંતરીને તેમાં ઘૂસી ગયા હતા. બંનેે હુમલાખોરોએ ડ્રાઇવરને ગોળી મારી હતી અને બાળકને ઉઠાવીને પોતાની સાથે લઇ ગયા હતા.

આ ઘટના દિલશાદ ગાર્ડન વિસ્તારની છે, પરંતુ જ્યાંથી અપહરણ થયું તે વિસ્તાર જીટીબી એન્ક્લેવ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. અપહરણની આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ટોચના અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અપહરણકારોની શોધખોળ આરંભી દીધી હતી.

You might also like