જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ છ આતંકીને ઠાર માર્યા: સર્ચ ઓપરેશન જારી

શ્રીનગર, શુક્રવાર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ આજે વહેલી સવારે આતંકીઓ સામે મોટું ઓપરેશન હાથ ધરીને છ આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અનંતનાગના બિજબેહરાના સેકિપોરા ગામમાં અથડામણ થઈ હતી. સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ જારી છે અને આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકાથી વધુ જવાનોને ઓપરેશનમાં તહેનાત કરવામાં આવ્યા છે.
ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ્સના આધારે ભારતીય સેના અને સુરક્ષાદળોએ આજે વહેલી સવારે અનંતનાગ અને ત્યારબાદ બિજબહેરા તથા સેકિપોરા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ગામના એક ઘરમાં છુપાયોલા આતંકીઓએ અચાનક સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળોએ પણ વળતો જવાબ આપ્યો હતો અને ઘરમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓને ચોતરફથી ઘેરી લીધા હતા. સેનાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર ઘણું લાંબું ચાલ્યું હતું અને સુરક્ષાદળોએ છ આતંકીઓને ઠાર માર્યા બાદ ફાયરિંગ રોકી લીધું હતું.
આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આતંકીઓને તેમના સ્લીપર સેલ અને સ્થાનિક લોકો કોઈ પ્રકારની મદદ ન કરી શકે તે માટે સમગ્ર અનંતનાગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આતંકીઓએ ગઈ કાલે સવારે ખુડવની (કૂલગામ)માં સૈન્ય શિબિર પર અને મોડી સાંજે શોપિયામાં સુરક્ષાદળો પર બે અલગ-અલગ હુમલા કર્યા હતા. કૂલગામમાં ક્રોસ ફાયરિંગમાં એક સ્થાનિક યુવતીને ગોળી વાગવાથી ગંભીર ઈજા થઈ હતી.
આ અગાઉ મંગળવારે શોપિયાના નદીગામ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સેનાના એલિટ પેરાયુનિટનો જવાન એચ.સી. વિજય શહીદ થયો હતો અને બે અન્ય સૈનિક ઘવાયા હતા.
દક્ષિણ કાશ્મીરના અચબલમાં આતંકીઓએ એ જ ‌િદવસે હુર્રિયત નેતા હફીઝુલ્લા મીરની ગોળીઓ મારી હત્યા કરી દીધી હતી. આ પહેલા ૧૪ નવેમ્બરે એલઓસી (નિયંત્રણ રેખા) નજીક ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા.

You might also like