રોહતકઃ ગુરુકુળમાં પાંચ જુનિયર વિદ્યાર્થીઓ સાથે યૌનશોષણનો પર્દાફાશ થતાં હડકંપ

રોહતક: રોહતક જિલ્લાના એક ગુરુકુળમાં પાંચ વિદ્યાર્થીઓના યૌનશોષણનો સનસનીખેજ ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. યૌનશોષણ કરવાનો આરોપ સિનિયર વિદ્યાર્થીઓ પર મૂકવામાં આવ્યો છે. ધો.૧ર અને ૧૦ના વિદ્યાર્થીઓ ધો.૬ અને ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર કુકર્મ કરતા હતા.

આ જુનિયર વિદ્યાર્થીઓ જ્યારે વિરોધ કરતા ત્યારે સિનિયર વિદ્યાર્થીઓ તેમની મારપીટ કરતા અને તેમને ધમકી આપીને ડરાવતા હતા. રવિવારે રક્ષાબંધન નિમિત્તે જ્યારે માતા-પિતા પોતાનાં બાળકોને મળવા ગુરુકુળ પહોંચ્યાં ત્યારે આ રેકેટનો પર્દાફાશ થયો હતો.

માતા-પિતા અને વાલીઓ જ્યારે મળીને પરત જવાની તૈયારી કરતાં હતાં ત્યારે ધો.૬ અને ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડરવા લાગ્યા હતા. માતા-પિતાએ તેમને આ અંગે પૂછતાં બાળકોએ રડી-રડીને પોતાની આપવીતી સંભળાવી હતી.

ત્યારબાદ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કુકર્મનો ભોગ બનેલા જુનિયર વિદ્યાર્થીઓનાં માતા-પિતા અને વાલીઓએ સદર પોલીસ સ્ટેશનમાં પહોંચીને ગુરુકુળના મેનેજમેન્ટ અને ‌િસનિયર વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી.

દરમિયાન આ રેકેટની તપાસ કરવા બાળ સુરક્ષા અધિકારી આજે આ ગુરુકુળ પર જઇને તપાસ કરી શકે છે. ગુરુકુળના આચાર્ય હરિદત્તે જણાવ્યું હતું કે આ ઘટના સામે આવી છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે ઘણી વાર બાળકો ગુરુકુળમાંથી છટકી જવા માગતાં હોય છે એટલે આ પ્રકારની યુકિતઓ અજમાવતાં હોય છે. કેટલાક વિદ્યાર્થીઓએ કરેલા આ આક્ષેપોમાં હવે તપાસ ચાલી રહી છે.

એવા પણ અહેવાલો છે કે ગુરુકુળ મેનેજમેન્ટ આ રેકેટથી વાકેફ હતું અને છેલ્લા એક વર્ષથી મામલો દબાવવાની કોશિશ કરી રહ્યું હતું. વાલીઓએ એવો આક્ષેપ કર્યો છે બે બાળકો સાથે છેલ્લા એક વર્ષથી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા યૌનશોષણ ચાલી રહ્યું હતું.

આ સંદર્ભમાં બાળકોએ ગુરુકુળ મેનેજમેન્ટને ફરિયાદ પણ કરી હતી, પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તેના બદલે તેમને ધમકાવવામાં આવ્યાં હતાં. ગુુરુકુળ મેનેજમેન્ટે આક્ષેપોને ફગાવી દીધા છે.

ગુરુકુળના આચાર્યે જણાવ્યું હતું કે બાળકોએ કુકર્મની ફરિયાદ કરી હતી. વોર્ડને પણ તપાસ કરી છે. આરોપી વિદ્યાર્થીઓનાં માતા-પિતાને પણ જાણ કરવામાં આવી છે અને તેમને બોલાવવામાં પણ આવ્યાં છે. હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. વોર્ડન પણ ત્યાં જ રહે છે. અમે તપાસમાં પણ સહકાર આપીશું. જો કોઇની સાથે કંઇ ખોટું થયું હશે તો ન્યાય જરૂર મળશે.

You might also like