માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિનાં મોતઃ ૧૫ને ગંભીર ઈજા

અમદાવાદ: અામોદ અને ઉના નજીક બનેલા બે માર્ગ અકસ્માતના બનાવમાં છ વ્યક્તિનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે ૧૫ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં અાવ્યાં છે.

અા અંગેની વિગત એવી છે કે સુરતથી કોપરનાં બંડલ ભરી એક અાઇશર ટ્રક તારાપુર તરફ જઈ રહી હતી ત્યારે અામોદ નજીક રેવા શુગર ફેકટરી પાસે અન્ય વાહને અાઇશરને જોરદાર ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં રમેશ વાઘેલા, પંકજ બારિયા અને સંજય દેવીપૂજક નામના ત્રણ શખસોનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

વેરાવળ રોડ પર ઉના નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતાં. વડોદરા નજીકના પાદરાના રહીશ ૧૫ વ્યક્તિ દીવ ફરવા ગયા બાદ પરત ફરતી વખતે અા અકસ્માત નડ્યો હતો. અા અકસ્માતમાં અજયભાઈ કિશનભાઈ, ગગનબહેન અને જ્યો‌િતબહેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક નાસી છૂટ્યો હતો.

ખંભાત નજીકના ઉંદેલ હાઈસ્કૂલ પાસે ટ્રકે કારને અડફેટે લેતાં કારમાં બેઠેલા મહેશભાઈ પટેલનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું જ્યારે એકને ઈજા પહોંચી હતી. નડિયાદ બસસ્ટેન્ડ પાસે બસમાં ચઢવા જતાં એક વૃદ્ધ શાંતિભાઈ રણછોડભાઈ પટેલ નીચે પટકાતાં બસનું વ્હીલ માથા પર ફરી વળતાં તેમનું મોત થયું હતું. પોલીસે અા અંગે અકસ્માતના ગુનાઓ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like