હવે છ મહિના સુધી શાકભાજી એકદમ તરોતાજા રહી શકશે

કાનપુર: હવે શાકભાજીને કાપીને ચારથી છ મહિના સુધી સુર‌િક્ષત રાખી શકાશે. અાઈઅાઈટી-કાનપુરના મેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગે એવું સોલર ડ્રાયર મશીન વિક્સાવ્યું છે, જે શાકભાજીને તરોતાજા રાખશે. અા મશીનમાં પાલક, મેથી, કોથમીર, સોયા અને અામળાં સહિતનાં એવાં દરેક શાકભાજીને કાપીને મૂકી શકશો, જેનો ઉપયોગ તમે મહિનાઓ બાદ કરવા ઈચ્છો છો. અામળાં કેન્ડી અને મેથીને મશીનમાં રાખીને પરીક્ષણ થઈ ચૂક્યું છે. હવે સામાન્ય લોકો માટે નાનું મશીન બનાવવાનું કામ શરૂ કરવામાં અાવશે.

શાકભાજીને સુર‌િક્ષત રાખનાર અા પહેલું મશીન છે, જે સંપૂર્ણ રીતે સૌર ઊર્જાથી ચાલે છે. તેને વિકસાવવામાં એક વર્ષનો સમય લાગશે. હવે મશીનનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે, તેમાં ૪૫થી ૭૦ ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર શાકભાજીનો સંગ્રહ કરવામાં અાવે છે જ્યારે અન્ય શાકભાજીને કેટલા તાપમાનમાં વધુ સમય સુધી સુર‌િક્ષત રાખી શકાય તે માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વે‌િજટેબલ રિસર્ચની સલાહ લેવાઈ રહી છે.

પરીક્ષણ મુજબ જ્યારે મશીનમાંથી શાકભાજીને બહાર કાઢવામાં અાવશે ત્યારે તે સુકાયેલ દેખાશે, પરંતુ તેને પાણીમાં નાખતાં જ ફરી વખત લીલાંછમ અને તાજાં બની જશે. અાઈઅાઈટીના પ્રોફેસર ડો. સંદીપે જણાવ્યું કે સોલર ડ્રાયરમાં શાકભાજી રાખવા માટે સાત ટ્રે છે. દરેક ટ્રેમાં કાપીને લગભગ એક કિલો જેટલાં શાકભાજી સાચવી શકાય છે. અા સંશોધનને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વે‌િજટેબલ રિસર્ચ સાથે મળીને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. શાકભાજીના ગુણધર્મ મુજબ તાપમાન સેટ કરવામાં અાવે છે.

અા અગાઉ બનેલ વે‌િજટેબલ ડ્રાયર સોલર પર અાધારિત ન હતું. તેને ૩૦૦ કિલો વોલ્ટ વીજળીની જરૂર પડતી હતી. વીજળી ન હોય ત્યારે જનરેટરની જરૂર પડતી. અા કમીને ધ્યાનમાં રાખતાં સોલર ડ્રાયર બનાવવાનું કામ શરૂ થયું, જે કામ પહેલાં બ્લોઅરથી થતું હતું, તે માટે હવે ટર્બો વેન્ટિલેટર લગાવવામાં અાવ્યું છે. ઠંડીના દિવસોમાં પણ તે એ જ રીતે કામ કરશે જેવું ગરમીના દિવસોમાં કરે છે તેમાં લાગેલી સોલર પેનલને ૪૫ ડિગ્રી સુધી લઈ જઈ શકાય છે.

You might also like