કાનપુરમાં ડમ્પર ઘરમાં ઘૂસી જતાં એક જ પરિવારનાં છ લોકોનાં મોત

કાનપુર: કાનપુરમાં આજે સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવતું એક ડમ્પર રોડ નજીકના ઘરમાં ઘૂસી જતાં મકાનમાં સૂતેલા એક જ પરિવારના છ લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આ બનાવથી ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ બાદ પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી હાલ વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અલાહાબાદ હાઈવેના મહારાજપુર પોલીસ મથકની હદમાં બની છે. પોલીસના જણાવ્યા અનુસાર ડમ્પર ચાલક નશો કરેલી હાલતમાં હતો.અને અકસ્માત સર્જીને તે ફરાર થઈ ગયો હતો. ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતાં ડમ્પર રોડ નજીકના એક ઘરમાં ઘૂસી જતાં સવારે મીઠી નીંદર માણતા પરિવારના બુઝુર્ગ મહિલા સહિત છ લોકો પર ડમ્પર ફરી વળતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે લોકોનાં મોત થયાં હતાં તેઓએ ગઈ કાલે રાતે જ ઈદ માનવવાની તૈયારી કરી હતી. પણ આ ઘટનામાં ઘરના માલિક કલ્લુ કુરેશી સાથે તેની બે પુત્રી અને એક પુત્ર, પત્ની અને ભત્રીજાનાં મોત થતાં આ વિસ્તારમાં ઈદના પવિત્ર દિવસે જ શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બાદ સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે માટીનું વહન કરતાં અનેક ડમ્પર અને અન્ય વાહનની અવરજવર થઈ રહી છે. છતાં તંત્ર દ્વારા તેમની સામે પગલાં લેવામાં આવતાં નથી. આજે દારૂ પીધેલા ડમ્પર ચાલકની બેદરકારીથી આ વિસ્તારના એક જ પરિવારનાં છ સભ્યનાં મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આજે ઈદના દિવસે જ આ પરિવાર સાથે જાણે કુદરતે ક્રૂર મજાક કરી હોય તેમ લાગી રહ્યું છે.

You might also like