મુઝફફરપુરની હોટલમાંથી છ EVM અને VVPAT મળી આવતાં હડકંપ

મુઝફફરપુરઃ બિહારના મુઝફફરપુરમાં એક હોટલમાંથી છ ઇવીએમ અને બે વીવીપેટ મશીન મળતાં હડકંપ મચી ગયો છે. મુઝફફરપુરમાં ગઇ કાલે મતદાન થયું હતું અને વોટિંગ દરમિયાન જ શહેરના છોટી કલ્યાણી વિસ્તારની એક હોટલમાં ઇવીએમ અને વીવીએટ મળી આવ્યાં હતાં. હોટલમાંથી ઇવીએમ અને વીવીપેટ મળી આવતાં લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો.

આ સમાચાર મળતાં જ એસડીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ઇવીએમ તેમજ વીવીપેટ પોતાના કબજામાં લીધાં હતાં. આ મોટી લાપરવાહી માટે ઇવીએમના કસ્ટોડિયન સેકટર મેજિસ્ટ્રેટ અવધેશ‌િસંહને કારણદર્શક નોટિસ બજાવવામાં આવી છે. આ ઇવીએમ અને વીવીપેટ હોટલમાં કઇ રીતે પહોંચ્યાં તે અંગે તેમનો ખુલાસો માગવામાં આવ્યો છે.

મુઝફફરપુરનાં ડીએમનાં જણાવ્યાં અનુસાર સેકટર મેજિસ્ટ્રેટનાં ડ્રાઇવરે મતદાન કરવા ઇચ્છા વ્યકત કરી હતી, પરંતુ તેમનું પોલિંગ બૂથ શહેરની બહાર હતું. આ સંજોગોમાં સેકટર મેજિસ્ટ્રેટે ઇવીએમ અને વીવીપેટને એક હોટલમાં ઉતારી લીધાં હતાં જેથી ડ્રાઇવર મતદાન કરી શકે. સેકટર મેજિસ્ટ્રેટ અવધેશે રિપ્લેસમેન્ટ માટે રિઝર્વ ઇવીએમ અને વીવીપેટ આપવામાં આવ્યાં હતાં. જેને તેમણે હોટલમાં રાખી દીધાં હતાં. બૂથ નં.૧૦૮ નજીક આવેલ હોટલ આનંદમાં આ ઇવીએમ રાખવામાં આવ્યાં હતાં.

You might also like