છ હજાર એકર સરકારી જમીન ખૂબ જ ઓછી કિંમતે ફાળવશે

અમદાવાદ: ખેડૂતો અને પશુપાલકોને વધુ સરળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, કૃષિવિષયક ધિરાણ સહકારી મંડળીઓ તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને જિલ્લા-તાલુકા ખરીદ વેચાણ સંઘો જેવી સહકારી સંસ્થાઓને છ હજાર એકર સરકારી જમીન રાહતદરે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ખેડૂતો જે ખેત પેદાશોનું ઉત્પાદન કરે છે તેની જાળવણી માટે તેમજ ખાતર, બિયારણ, દવાઓ વગેરે સુરક્ષિત રાખવા માટે ગોડાઉનો બનાવવા માટે આવી જમીન મળી રહે તેમજ જરૂરિયાત મુજબ ધરતીપુત્રોને આ સુવિધા સરળતાથી નજીકના સ્થળેથી મળે તેવો કિસાન હિત અભિગમ આ નિર્ણયનો રહેલો છે.

આવી ફાળવણી થયેલ જમીનના ૩૦ ટકા જમીન ફક્ત ખેડૂતો માટેના ખાતર, બિયારણ, દવાઓ તેમજ જણસીઓના સ્ટોરેજ માટે ગોડાઉન બનાવવાના ઉપયોગમાં લેવાની રહેશે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્યમંત્રી નીતીન પટેલ તથા નાણા મંત્રી સૌરભ પટેલે આ નિર્ણયની ભૂમિકા આપી હતી.

પ્રવક્તા મંત્રીઓએ કહ્યું કે, રાજ્યની સહકારી સંસ્થાઓને રાહત દરે જમીન ફાળવણી માટે આરોગ્ય મંત્રીના અધ્યક્ષપદે રચવામાં આવેલી મંત્રીશ્રીઓની સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને આવી સંસ્થાઓને જમીન ફાળવણીની પ્રવર્તમાન નીતિમાં ફેરફાર કરી વધુ ઉદાર બનાવવામાં આવી છે.

રાજ્ય સરકારના આ દુરોગામી નિર્ણયને પરિણામે ખેડૂતો સાથે સીધી રીતે સંકળાયેલી જિલ્લા અને તાલુકા કક્ષાની ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યાન્વિત કરવા માટે અંદાજે રાજ્યની ૬૦૦૦ એકર જમીનની ફાળવણી કરવાની થશે અને તે માટે અંદાજે રૂ. ૫૬૬૭/- કરોડ જેટલી કિંમતી જમીન લાખો ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિત અને લાભાર્થે રાજ્ય સરકાર આપશે.

You might also like