કસાઈના મોતનો મામલોઃ SITએ વધુ બે આરોપીઓની અટકાયત કરી

અમદાવાદ: શહેરના એસ.જી. હાઈવે પર કારમાં વાછરડાં લઈ જઈ રહેલા બે શખસોની કારને અકસ્માત થતાં કાર રોકાઈ હતી અને કારનો પીછો કરતા કથિત ગૌરક્ષકોએ અયુબ નામના યુવાનને ઢોર માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે રચાયેલી એસઆઈટીએ વધુ બે આરોપીઓની અટકાયત કરી હતી. જોકે પોલીસ આ આરોપીઓ કોણ છે અને તેઓએ કેમ માર માર્યો હતો તેની કોઈ જ માહિતી આપી રહી નથી.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ અયુબની હત્યા મામલે રચાયેલી એસઆઈટીએ ધવલ ભટ્ટ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં પૂછપરછમાં અન્ય છ વ્યક્તિનાં નામ ખૂલ્યાં હતાં. બાદમાં ગઈ કાલે સાંજે પોલીસે વિક્રમ રાજપૂત નામના એક શખસની અટકાયત કરી હતી. પોલીસે સાત જેટલા કથિત ગૌરક્ષકોની ઓળખ કરી છે, જેમાં ત્રણ લોકોની હાલમાં પોલીસે અટકાયત કરી તેઓની પૂછપરછ શરૂ કરી છે.

જોકે તેઓની આ કેસમાં સંડોવણી છે કે કેમ, તેઓની ભૂમિકા શું હતી અને તેઓ દ્વારા અગાઉ કોઈ આ રીતે કૃત્ય કરાયું છે કે કેમ તેનો ફોડ પાડવા તૈયાર નથી. અકસ્માતમાં ગાય મૃત હાલતમાં મળી આવી હતી. આ ગાયનું મોત અકસ્માતના કારણે થયું હતું કે મૃત હાલતમાં જ તેને લાવ્યા હતા તેની પણ એસઆઈટી તપાસ કરી રહી છે.

You might also like