બહેનના પ્રેમ લગ્નથી નારાજ ભાઈઅે બનેવીને પતાવી દીધો

અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વધુ એક હત્યાની ઘટના રામોલ વિસ્તારમાં ઘટી છે. ગઇ કાલે મોડી રાતે રામોલ કેનાલ પાસે અક્ષય પરીખ નામના ૨૩ વર્ષિય યુવાનની તેના જ સાળા ભાવેશ સોલંકીએ દસ કરતાં વધુ ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી છે. સાત મહિના પહેલાં અક્ષયે અમરાઇવાડીમાં રહેતી દિવ્યા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં, જેનાથી ભાવેશ નારાજ હતો.

સીટીએમ કેનાલ પાસે આવેલી નીલંકઠ સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ મૂકેશભાઇ પરીખ (સવા)એ રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. જિજ્ઞેશ પરીખના ભાઇ અક્ષયે તારીખ ૨૧.૦૩.૨૦૧૭ના રોજ અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રઉફની ચાલીમાં રહેતી દિવ્યા સોલંકી નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. પ્રેમ લગ્ન બાદ દિવ્યા સોલંકીની માસી અને તેની બહેને ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જે મામલે અક્ષય અને તેના પરિવાર વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થઇ હતી.

ગઇ કાલે મોડી રાતે દિવ્યાના ભાઇ ભાવેશ ઉર્ફે રાજા સોલંકીએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને અક્ષયનું ઢીમ ઢાળી દીધું છે. ઉલ્લેખનીય છે કે અક્ષયે દિવ્યા સાથે પ્રેમ લગ્ન કરતાં ભાવેશ છેલ્લા ઘણા સમયથી તેની સાથે બદલો લેવાની ફિરાકમાં હતો. લગ્ન બાદ ભાવેશ અવારનવાર દિવ્યાને તેની સાસરીમાં મળવા માટે આવતો હતો. ગઇ કાલે મોડી રાતે ભાવેશે દિવ્યાને ફોન કરીને અક્ષયને મળવા માટે બહાર મોકલવા માટેનું કહ્યું હતું. ભાવેશની વાત માનીને દિવ્યાએ અક્ષયને તેની સાથે બહાર મોકલ્યો હતો. બંને જણા ચાલતા ચાલતા જતાં હતાં ત્યારે અક્ષયનો ભાઇ જિજ્ઞેશ તેમને જોઇ ગયો હતો અને તમે ક્યાં જાઓ છો તેમ પૂછ્યું હતું.

અક્ષય જિજ્ઞેશને પાંચ મિનિટમાં આવું છું તેમ જણાવીને જતો રહ્યો હતો. પાંચ મિનિટ બાદ અક્ષય પરત ઘરે નહીં આવતાં જિજ્ઞેશે તેની શોધખોળ શરૂ કરી હતી. એકાદ કલાક સુધી અક્ષયનો કોઇ પત્તો નહીં લાગતાં રામોલ પોલીસ જિજ્ઞેશ પાસે આવી હતી અને જામફળવાડી કેનાલ પાસે જાહેર રોડ પર તેના ભાઇની હત્યા થઇ હોવાનું કહ્યું હતું. જિજ્ઞેશ તેના પરિવાર સાથે ઘટના સ્થળે પહોંચીને જોતાં,ત્યાં અક્ષયની લોહીથી લથપથ હાલતમાં લાશ જાહેર રોડ પર પડી હતી. ભાવેશે તેના પર દસ કરતાં વધુ ચપ્પાના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી ભાવેશની બહેન દિવ્યા સાથે લગ્ન કરવા બદલ અક્ષયને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પરંતુ જિજ્ઞેશ તો અક્ષયના મોત પાછળનું કઇક અલગ જ કારણ જણાવી રહ્યો છે.

અક્ષયના મોત મામલે જિજ્ઞેશ જણાવ્યું છે કે તારીખ ૦૧.૦૭.૨૦૧૫ના રોજ અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સતાધાર સોસાયટીની બાજુમાં જાહેર રોડ પર તેના પિતા મૂકેશ પરીખ(સવા)ની ૪૦ વર્ષ જૂની અદાવતમાં મામા ભાણેજ ગેંગના વિજય અમૃત સોલંકી (રહે. રઉફની ચાલી અમરાઇવાડી) અને તેના મામા રમેશ મોહનભાઇ પરમારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પિતાની હત્યામાં અક્ષય એક માત્ર નજરે જોનાર સાક્ષી છે. જેના કારણે તેને હટાવવા માટે વિજય સોલંકી અને મોહન પરમારે ભાવેશનો ઉપયોગ કર્યો છે. દિવ્યા સાથે પ્રેમ લગ્ન કરીને અક્ષયે ભાવેશ અને તેના પરિવારની સમાજમાં કરેલી બદનામીનો બદલો લેવા માટે મામા ભાણેજે તેને હત્યા કરવા માટે ઉશ્કેર્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

હાલ તો રામોલ પોલીસે ભાવેશ, વિજય અને રમેશ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અક્ષયની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે ત્યારે એફએસએલની મદદ લેવામાં આવી છે. ભાવેશ અને તેની સાથે હત્યામાં સંડોવાયેલા અનેક લોકોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ તૈયાર કરી છે.

You might also like