સિંહસ્થમાં ૪૪ ડિગ્રી ગરમીમાં સાધુ-સંતોનું ‘અગ્નિતપ’

ઉજ્જૈન: ઉજ્જૈન સિંહસ્થ મહાકુંભમાં સાધુ-સંતો અલગ અલગ સ્ટાઈલમાં તપ અને હઠયોગ કરી રહ્યા છે. આ સાધુ-સંતોની તપસ્યા રુંવાડાં ઊભાં થઈ જાય તેવી છે. દૂર દૂરથી આવેલા સાધુ-સંતો ૪૪ ડિગ્રી તાપમાનમાં પોતાની ચારે બાજુ આગ પ્રગટાવીને અગ્નિ તપ કરે છે.

અગ્નિ તપ કરતા આ સાધુઓને જોવા ભારે ભીડ જામે છે. અગ્નિ તપમાં સાધુઓ પોતાની આસપાસ ૮૪ લાકડાના ઢગલામાં અગ્નિ પ્રગટાવે છે અને દાહક ગરમીમાં બેથી ત્રણ કલાક અગ્નિ વચ્ચે રહીને તપસ્યા કરે છે. આ તપસ્યા દરમિયાન તેઓ સતત મંત્રોચ્ચાર કરે છે. કુંભમાં એક નહીં, પરંતુ ડઝનોની સંખ્યામાં સાધુ આવી તપસ્યા કરે છે.
સાધુ નરસિંહદાસે જણાવ્યું હતું કે ચાર તપમાંથી અગ્નિ તપનું તપ એ મહત્ત્વપૂર્ણ તપ છે.

એ જ રીતે ગુજરાતના જૂનાગઢથી આવેલા ખડગેશ્વર મહારાજ ૨૮ વર્ષથી એક પગ ઉપર જ ઊભા છે. હિંચકાના સહારે હાથ રાખીને એક પગ પર ઊભા રહેતા ખડગેશ્વર મહારાજ હઠયોગ કરે છે. સતત એક પગ ઉપર પર વર્ષોથી ઊભા રહેવાના કારણે તેમના પગમાં જખમ પડી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ અને પર્યાવરણનો સંદેશ આપવા અંગે તેઓ હઠયોગ કરી રહ્યા છે. ૧૯૮૮માં તેમણે આ તપસ્યાની શરૂઆત કરી હતી.

You might also like