રોડનાં રૂ.૧૧૦ કરોડનાં નવાં કામમાં ‘સિંગલ ટેન્ડર’ અને ર૩ ટકા ઊંચા ભાવ

અમદાવાદ: આજે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ ઇજનેર વિભાગ દ્વારા પશ્ચિમ ઝોન સહિતના વિવિધ ઝોનમાં રોડ રિસરફેસિંગના કુલ રૂ.૧૧૦ કરોડનાં નવાં કામોમાં સિંગલ ટેન્ડર અને ર૩ ટકા ઊંચા ભાવને મંજૂરી અપાતાં ભારે વિવાદ સર્જાશે.

પશ્ચિમ ઝોનમાં ભગીરથ એસોશિયેટ્સના ર૩ ટકા ઊંચા ભાવના રૂ.૧૩.૪૯ કરોડનાં સિંગલ ટેન્ડરને તેમજ આ જ કોન્ટ્રાકટરના અન્ય રૂ.૧૩.૪૮ કરોડનાં સિંગલ ટેન્ડરને આ ઝોનના ઇજનેર વિભાગે લીલી ઝંડી આપીને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી સમક્ષ મૂક્યા છે.

આ ઉપરાંત પશ્ચિમ ઝોનનાં બે અન્ય સિંગલ ટેન્ડરના મામલે દિશા કન્સ્ટ્રકશનનાં સિંગલ ટેન્ડરને બહાલી અપાઇ છે. આ કોન્ટ્રાકટને ર૩ ટકા ઊંચા ભાવે કુલ રૂ.૧૩.પ૦ કરોડનાં કામ સોંપાશે. પશ્ચિમ ઝોનના વિભિન્ન રસ્તાને રિસરફેસ કરવા માટે મેસર્સ એલ.જી. ચૌધરીના રૂ.૬.૭ર કરોડ અને ૬.૭૩ કરોડ એમ કુલ બે ટેન્ડરને પણ લીલી ઝંડી અપાઇ છે.

આ તમામ ટેન્ડરમાં કોન્ટ્રાકટરે ર૩ ટકા જેટલો ઊંચો ભાવ ભર્યો છે. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં એનસીસી ઇન્ફ્રા સ્પેસ પ્રા. લિ.ના રૂ. ૬.૧૪ કરોડનાં સિંગલ ટેન્ડર તેમજ એલ.જી. ચૌધરીના રૂ.૧૧.૬૯ કરોડનાં સિંગલ ટેન્ડર, દ.ઝોનમાં રૂ.૮.૦પ કરોડનાં, એનસીસી ઇન્ફ્રા સ્પેસના સિંગલ ટેન્ડર, દ.ઝોનમાં નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચરના ૯.૮ર કરોડનાં સિંગલ ટેન્ડર અને ઉત્તર ઝોનમાં કલથિયા એન્જિ. એન્ડ કન્સ્ટ્રકશન લિ.ના રૂ.૧ર.૧૮ કરોડના સિંગલ ટેન્ડર સહિત કુલ ર૭.૩૦ કરોડના ટેન્ડરને પણ મંજૂરી અપાઇ છે.

તેમજ પૂર્વ ઝોનમાં નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકર પ્રા. લિ.ના અગાઉના રૂ.૧ર.૪૬ કરોડના ટેન્ડરમાં વધારાના કામ મૂકીને રૂ.ર૪.૩૪ કરોડના રિવાઇઝ ટેન્ડરને પણ મંજૂરી અપાઈ છે. વસ્ત્રાપુરમાં તાજેતરમાં ખુલ્લા થયેલા ટીપી રસ્તાના આરસીસી રોડ બનાવવા માટે રૂ.૩.૯૦ કરોડના અંદાજને પણ ઇજનેર રોડ પ્રોજેકટ વિભાગે લીલી ઝંડી આપી છે.

You might also like