BPLની યાદીમાં દિગ્વિજયસિંહ અને તેમના પુત્રનું પણ નામ

ગુનાઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહ અને તેમના પુત્ર જયવર્ધનનું નામ બીપીઅેલની યાદીમાં હોવાનું બહાર આવતાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ અંગેનો ખુલાસો થતાં વિવિધ અટકળો થઈ રહી છે.

રાધોગઢ ગેસ અેજન્સી પાસે અા યાદી પહોંચતાં જાણવા મળ્યું હતું કે આ યાદીમાં રાધોગઢના રાજ પરિવારનાં નામ પણ સામેલ છે. આ અંગે ધારાસભ્ય જયવર્ધનસિંહે જણાવ્યું કે આવી યાદીમાં મારું અને મારા પિતાનું નામ કેવી રીતે આવી ગયું? તે તપાસનો વિષય છે. તેમણે આ અંગે અધિકારીઓને તપાસ કરવા આદેશ આપ્યો છે, જોકે હાલ આ અંગે અધિકારી પાસે કોઈ જવાબ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં કેન્દ્ર સરકારે સામાજિક, આર્થિક અને જાતિગત આધારે સર્વે કરાવ્યો હતો.

આ સર્વેને આધાર ગણી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણગેસનાં કનેકશન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રાધોગઢ રાજ પરિવારના દિગ્વિજયસિંહ અને તેમનાં પત્ની સ્વ. આશાસિંહ અને પુત્ર જયવર્ધનસિંહનાં નામ પણ સામેલ હતાં. આ અંગે ધારાસભ્ય જયવર્ધનસિંહે જણાવ્યું કે અેક તરફ સાચા ગરીબોને આવી યાદી હેઠળ મળતા લાભ તેમના સુધી પહોંચતા નથી ત્યારે તેમનાં નામ આ યાદીમાં કેવી રીતે આવ્યાં તે સવાલ છે અને આ રીતે તેમનાં પરિવારજનોનાં નામનો બીપીઅેલની યાદીમાં સમાવેશ કરીને જવાબદાર તંત્રઅે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

You might also like