કુવૈતમાં અદનાન સામીનું અપમાનઃ સ્ટાફને ‘ઈન્ડિયન ડોગ્સ’ ગણાવ્યા

નવી દિલ્હી: બોલિવૂડના કેટલાય સ્ટાર વિદેશમાં અપમાનનો સામનો કરી ચૂક્યા છે. બોલિવૂડના સ્ટાર સાથે એરપોર્ટ પર તેમને અટકાવીને તેમની સાથે દુર્વ્યવહાર કરવાની કેટલીય ઘટનાઓ સામે આવી છે. આવી જ એક વધુ ઘટનામાં બોલિવૂડના ગાયક અદનાન સામીને અપમાનનો સામનો કરવો પડ્યો છે.

થોડા સમય પહેલાં અદનાન સામી પોતાની ટીમ સાથે કુવૈત પહોંચ્યા હતા. તેઓ કુવૈતના પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહી હતા. ત્યાંની તસવીરો પણ તેમણે ટ્વિટર પર શેર કરી હતી, પરંતુ તેમની સાથે એવો દુર્વ્યવહાર થયો કે તેમના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું.

અદનાન સામીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસને ટેગ કરીને ફરિયાદ કરી છે કે કુવૈત એરપોર્ટના સ્ટાફે તેમના સ્ટાફને ‘ઈન્ડિયન ડોગ્સ’ ગણાવીને તેમનું ઉપમાન કર્યું છે.

અદનાન સામીએ લખ્યું છે કે અમે આપનાં શહેરમાં મોહબ્બત લઈને આવ્યા હતા અને અમારી સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આપે અમારી કોઈ મદદ કરી નથી. કુવૈતી એરપોર્ટ ઈમિગ્રેશનના સ્ટાફે કોઈ પણ જાતનાં કારણ વગર મારા સ્ટાફને પરેશાન કર્યો હતો. તેમણે મારા સ્ટાફને ઈન્ડિયન ડોગ્સ ગણાવીને અપમાન કર્યું હતું તેમ છતાં તમે કોઈ કાર્યવાહી કરી નહીં. આ પ્રકારનો વ્યવહાર કરવાની કુવૈતીઓમાં હિંમત ક્યાંથી આવી ?

અદનાન સામીના આ ટ્વિટ બાદ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સામીને ફોન પર વાત કરવા કહ્યું હતું. માત્ર સુષમા સ્વરાજે જ નહીં પરંતુ રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહપ્રધાન કિરણ રિજિજુએ પણ અદનાનની ટીમ સાથે કુવૈતમાં દુર્વ્યવહાર અંગે ટ્વિટ કર્યું હતું.

કિરણ રિજિજુએ લખ્યું હતું કે સુષમા સ્વરાજનો આભાર. અદનાન તમારી સાથે કુવૈતમાં જે કંઈ થયું તે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. આપણા સૌથી ડાયનેમિક વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે તમારી પરેશાન પર ગંભીરતા દાખવી છે. કૃપા કરીને તેમની સાથે વાત કરો. આ ટ્વિટ બાદ અદનાને પણ સુષમા સ્વરાજનો આભાર વ્યક્ત કરતાં લખ્યું હતું કે આ મામલે આટલી ગંભીરતા દાખવવા બદલ તમારો આભાર.

You might also like