સિંગતેલના ભાવ ગત વર્ષની સરખામણીએ ૨૦ ટકા નીચા

અમદાવાદ: ખાદ્યતેલના ભાવમાં નવી માગના અભાવ વચ્ચે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવ રૂ. ૧૫૦૦ની સપાટી તોડી નીચે ૧૪૭૦થી ૧૪૮૦ની સપાટીએ પહોંચી ગયા છે. એક બાજુ ઉનાળુ મગફળીની વધતી જતી આવક તો બીજી બાજુ ઓઈલ મિલર્સ દ્વારા પિલાણ અને સ્ટોકિસ્ટોની સટ્ટાકીય ખરીદીના અભાવ વચ્ચે સિંગતેલના ભાવ પ્રેશરમાં જોવા મળી રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી ભાવમાં મોટી મૂવમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે પિલાણ માટેની મગફળીના બમ્પર ઉત્પાદનના પગલે દિવાળી બાદ સિંગતેલના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી હતી.

ઘટતા જતા ભાવને રોકવા તથા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે પામતેલની આયાત પર પણ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો અટકવાનું નામ લેતો નથી. આજે શરૂઆતે ઘરઆંગણે સિંગતેલના ભાવમાં ગાબડાં પડી રૂ. ૧૫૦૦ની સપાટી તોડી નીચે ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો.

પાછલા વર્ષ કરતાં રૂ. ૩૦૦ નીચા ભાવ
ચાલુ વર્ષે સિંગતેલના ભાવમાં સતત ગાબડાં પડી રહ્યાં છે અને રૂ. ૧૫૦૦ની સપાટી તોડી નીચે પહોંચી ગયેલા જોવા મળ્યા છે. વેપારીઓ પણ ઘટતા જતા ભાવ અંગે ચિંતા સેવી રહ્યા છે, જોકે ગ્રાહકને રાહત થઇ છે. કાલુપુર હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે મગફળીના બમ્પર ઉત્પાદન તથા સ્ટોકિસ્ટોના અભાવ વચ્ચે પાછલા વર્ષે આ સમયગાળામાં જોવા મળી રહેલા ભાવ કરતા ડબે રૂ. ૩૦૦ નીચા ભાવ જોવા મળી રહ્યા છે. પાછલા વર્ષે આ સમયે સિંગતેલ ૧૮૦૦-૧૮૨૫ની સપાટીએ ભાવ હતો.

You might also like