સિંગાપોરમાં બેસીને ડોન પિલ્લઈ વીડિયો કોન્ફરન્સિંગથી વિક્રોલીમાં સ્કૂલ ચલાવતો

મુંબઈ: સિંગાપોરથી પકડાયેલો ડોન કુમાર પિલ્લઈ સિંગાપોરથી વીડિયો કોન્ફરન્સિંગથી વિક્રોલીમાં તેની સ્કૂલ ચલાવતો હતો. આ સ્કૂલમાં 2000 બાળકો અભ્યાસ કરે છે.  એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સ્કૂલ કુમાર પિલ્લઈના પિતા કૃષ્ણાએ શરૂ કરી હતી. તેમની હત્યા દાઉદે કરાવી હતી. જોકે હવે આ સ્કૂલ પિલ્લઈની માતા સંભાળે છે. પરંતુ કુમાર તેની માતાને સ્કૂલ અંગેની તમામ માહિતી અને આદેશ વીડિયો કોન્ફરન્સિંગથી જ આપતો હતો.

આ સ્કૂલ ઉપરાંત ડોનનો કન્યાકુમારીમાં એક મોટો બંગલો પણ હતો. લગભગ દોઢ દાયકા પહેલાં જ્યારે ડોન ભારતમાંથી ફરાર થયો હતો ત્યારે તેણે આ બંગલો વેચી દીધો હતો. પરંતુ સ્કૂલ હજુ ચલાવે છે. કુમાર પિલ્લઈને જે ત્રણ કેસમાં ભારતમાં આત્મસમર્પણ કરવાની કોશિશ થઈ રહી છે. તેમાંથી એક કેસ 2013નો વિક્રોલીનો કેસ છે. આ કેસમાં તેણે એમએનએસના એક નેતા પાસેથી 50 લાખ રૂપિયાનો હપતો માગ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેતાએ કુમાર પિલ્લઈનો ફોન રિસિવ નહિ કરતાં ડોને તેના એક પંટરને તે નેતાની ઓફિસમાં મોકલ્યો હતો.

બાદમાં આ પંટરે તેના મોબાઈલ ફોનથી ડોનને ફોન લગાવી ઓફિસમાં બેઠેલા નેતાના ભાઈ સાથે ડોનને વાત કરાવવાની કોશિશ કરી હતી. આ કેસમાં જ્યારે એફઆઈઆર દાખલ થઈ હતી ત્યારે પોલીસે 2011માં મરિન લાઈન્સમાં મનીષ ઢોલકિયાની ઓફિસમાં થયેલા ફાયરિંગ કેસમાં પકડાયેલા એક આરોપીની જેલમાંથી ધરપકડ કરી હતી. મરિન લાઈન્સ ફાયરિંગ કેસમાં એક સિકયોરિટી ગાર્ડનું મોત થયું હતું. આ કેસમાં અનીસ ઈબ્રાહીમનું નામ બહાર આવ્યું હતું. પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના આધિકારીઓનું કહેવું છે કે મુંબઈથી ફરાર થયા બાદ કુમાર પિલ્લઈ કયારેય અનીસની નજીક આવ્યો ન હતો.

કુમારે પહેલાં અમર નાયક ગેંગ માટે કામ કર્યું હતું. જેમાં અમર નાયકના મોત બાદ તેણે પોતાની ગેંગ બનાવી લીધી હતી. ભારતમાં હાજર થયા બાદ કુમાર પિલ્લઈ પર જે બે કેસની કાર્યવાહી થવાની સંભાવના છે તે કેસ 2008 અને 2009ના છે. આ બંને કેસમાં કુમારે કાંજુર માર્ગ અને વિક્રોલી વિસ્તારમાં 24 કલાકમાં બે બિલ્ડર પર ફાયરિંગ કરાવ્યું હતું. કુમાર પિલ્લઈ આ વિસ્તારને પોતાનો વિસ્તાર માને છે. કુમાર સામે આ ત્રણ કેસ સિવાય અન્ય કેસ પણ દાખલ થયેલા છે.

You might also like