દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘૧૯૨૦’થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને કોઇ ફાયદો થયો ન હતો. તેનાં ત્રણ વર્ષ બાદ તેની ફિલ્મ ‘ફિર’ આવી. ‘હંસી તો ફંસી’ જેવી મોટા બેનરની ફિલ્મ પણ તેને મળી. તેને કેટલીક તેલુગુ ફિલ્મો પણ કરી, પરંતુ અદાને ખાસ ફાયદો ન થયો.

વર્ષ ૨૦૧૭માં પણ તે ‘કમાન્ડો-૨’માં પણ જોવા મળી. નવ વર્ષથી તે ફિલ્મ ઉદ્યોગનો ભાગ છે, પરંતુ અત્યાર સુધી કોઇ ઓળખ બનાવી શકી નથી. તામિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોની જેમ હિંદી ફિલ્મજગતમાં તે સફળ બની શકી નથી. દક્ષિણની ફિલ્મોની તુલનામાં હિંદી ફિલ્મજગતમાં કામ કરવાનું કેટલું પડકારજનક હોય છે તે અંગે વાત કરતાં તે કહે છે કે દક્ષિણ ભારતમાં એક્શન અને રોમેન્ટિક ફિલ્મોને વધુ પસંદ કરાય છે.

આજકાલ તમામ દક્ષિણ ભારતીય કલાકારોને હિંદીનું સારું એવું જ્ઞાન છે. તેઓ આરામથી અહીં કામ કરી લે છે. જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે દુનિયાના કોઇ પણ ખૂણે એક્ટિંગ કરી શકો છો. એક્ટિંગ અદા માટે પૈસા કમાવાનું સાધન નથી. તે કહે છે હું પૈસા કમાવા ઇન્ડસ્ટ્રીમાં આવી નથી. મારે અભિનય દ્વારા મારી એક છાપ છોડવી છે.

હું આમિરખાનની બહુ મોટી પ્રશંસક છું અને મોકો મળશે તો ‘દંગલ’ના આમિરખાન જેવું પાત્ર ભજવવા ઇચ્છું છું. મને દરેક પ્રકારની ફિલ્મ કરવાનો શોખ છે અને કોઇ પણ પ્રકારનાં દૃશ્ય કહાણીની જરૂર હોય તો હું તે કરવામાં ખચકાતી નથી. હું દિલથી ખૂબ જ બોલ્ડ છું. મારે કોઇ પણ રીતે અભિનેત્રી જ બનવું હતું. મારાં માતા-પિતાએ આ માટે મને સાથ આપ્યો. મારા પિતા મર્ચન્ટ નેવીમાં હતા અને માતા ક્લાસિકલ ડાન્સર હતી. બાળપણથી મને તમામ પ્રકારની ફિલ્મ જોવાનો શોખ હતો. •

You might also like