પાપની બાદબાકી અને પુણ્યના સરવાળા કરો

મનુષ્ય ત્રણ પ્રકારના ગુણ ધરાવે છે. એક જ મનુષ્યમાં વખતોવખત ત્રણેય ગુણ પ્રગટ થતા રહે છે. પહેલો ગુણ સાત્ત્વિક,બીજો રાજસી અને ત્રીજો ગુણ છે તમોગુણ. તમોગુણનું જ નામ છે. આસુરી મનોવૃત્તિ. તેને તમે આસુરી પ્રકૃતિ કે તામસી પ્રકૃતિ કહી શકો.
આવી આસુરી મનોવૃત્તિ ધરાવતા મનુષ્યોમાં દયા હોતી નથી. તે બહુધા વિઘ્નસંતોષી હોય છે. તેઓ હરહંમેશ એવી પ્રવૃત્તિમાં રાચતા હોય છે. જેનાથી બીજાને દુઃખ પહોંચે. બીજાને હાનિ થાય. બીજો મનુષ્ય પારાવાર દુઃખની ગર્તામાં સરી પડે. તેને દુઃખી, હતાશ જોઈ વિઘ્નસંતોષીને બહુ આનંદ પહોંચે છે. તે ગેલમાં આવી જાય છે.
આવી આસુરી મનોવૃત્તિ ધરાવતા મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું ધન છે. મારી પાસે આ યોજનાઓ છે. જેના દ્વારા હું વધુ ધન મેળવી શકીશ. મારી યોજનાઓ થકી ભવિષ્યમાં તે ધન ચોગણું થઈ જશે. તેના પ્રતાપે હું ઘડપણમાં પારાવાર સુખ ભોગવી શકીશ. તે મારો શત્રુ છે તેને મેં મારી નાખ્યો છે. મારા બીજા શત્રુઓને પણ હું મારી યોજનાઓ થકી મારી નાખીશ. હંુ બધી વસ્તુઓનો સ્વામી છું. હું સિદ્ધ છું. શક્તિશાળી અને સુખી પણ હું જ છું. હું સૌથી ધનવાન છું. મારી આજુબાજુ મારા કુળવાન સંબંધી છે. બીજો કોઈ મારા જેવો બળવાન કે સુખી નથી.
આવું બધું વિચારતો મનુષ્ય માયાના આવરણમાં બંધાયેલો હોય છે. મોહની જાળમાં તે ફસાયેલો હોય છે. તેથી તે ઈન્દ્રિયો દ્વારા મળતા સુખમાં વધુ રાચે છે. તે માયાના કાદવમાં ઊંડાં ને ઊંડાં ખૂપતાં જશે. અંતે તેમનું પતન થાય છે. મૃત્યુ પછી તે મનુષ્ય નરકમાં પડે છે. આસુરી ચિત્તવૃત્તિ ધરાવતો મનુષ્ય ધન મેળવવાની તેની ઈચ્છાની સીમા જાણતો નથી. તેની ઈચ્છા અનહદ હોય છે. તે માત્ર એટલું જ વિચારતો હોય છે કે તેની પાસે અત્યારે કેટલી સંપત્તિ છે. ને એવી યોજનાઓ ઘડે છે કે તેની અપાર સંપત્તિનો સંગ્રહ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય અને બસ વધ્યા જ કરે. આ જ કારણસર તે ગમે તેવાં પગલાં ભરવા તૈયાર થઈ જાય છે. આવાં પગલાં ભરતાં ભરતાં તે પાપકર્મો કરતો જાય છે. પોતાની સંપત્તિ, જમીન, મૂડી વગેરે પર તે મુગ્ધ હોય છે. તે જેમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરવાના જ વિચાર કરતો રહે છે. રાત દિવસ આવા મનુષ્ય ગધેડાની જેમ વૈતરું કરે છે. જેમ ગધેડો અપાર વૈતરું કરવા છતાં સુખ પામતો નથી તેમ આવા આસુરી વૃત્તિવાળા મનુષ્યો અપાર ધન ભેગું કરવા છતાં સુખ પામતા નથી. આવા મનુષ્યો રાત દિવસ પુષ્કળ ધન એકઠું કરવાની લહાયમાં પૂરતું ખાતા પીતા નથી. તેમની પાસેનું હયાત સુખ પણ તે ભોગવી શકતા નથી. આવા મનુષ્યો કર્મના નિયમ કે બંધનમાં માનતા નથી. આવા મનુષ્યો પાસે જે કાંઈ સંપત્તિ હોય તે તેમનાં પૂર્વ જન્મનાં પુણ્યકર્મોને કારણે હોય છે. તેથી તેઓ હાલના જીવનમાં આર્થિક રીતે સુખી સંપન્ન હોય છે. કર્મના નિયમો પ્રમાણે પૂર્વજન્મમાં સત્કર્મ કરવાને કારણે તે ઉચ્ચકુળમાં જન્મે છે. ધનવાન કે સુશિક્ષિત બને છે. રૂપાળો બને છે. આસુરી મનોવૃત્તિ વાળો મનુષ્ય તો વિચારતો હોય છે કે, ‘‘આ જે કાંઈ મને પ્રાપ્ત થયું છે તે બધું જ મારી ઊંચી સમજ તથા અપાર બુદ્ધિ કારણે જ પ્રાપ્ત થયું છે.
લંકાપતિ રાજા રાવણ હતો. તે અપાર સંપત્તિને કારણે મદમાં છકી ગયો હતો. તેની અપ્રતીમ શક્તિ, છળકપટથી તે જગતમાતા સીતાજીને ઉપાડી લાવ્યો. તેને સ્વર્ગ સુધીની સીડી બનાવવી હતી. તેનાં પાપકર્મો વધતાં તે ભગવાન શ્રીરામના હાથે મોક્ષ પામ્યો તે પાછળ તેની ભક્તિ અને તપ હતાં.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ
http://sambhaavnews.com/

You might also like