ઓરિસાથી પકડાયેલા ‘સીમી’ના ચાર અાતંકીની અમદાવાદ બ્લાસ્ટમાં સંડોવણી

અમદાવાદ: ઓરિસાના રાઉરકેલામાંથી પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇ‌િન્ડયા (સીમી)ના ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા સીમીના ચારેય આતંકીઓએ ર૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસમાં પણ સંડોવણી હોવાની તથા ગુજરાતમાં કનેકશન હોવાની ઓરિસા પોલીસ સમક્ષ કબૂલાત કરી છે, જેમાં ગુજરાત એટીએસની ટીમ ચાર આંતકીઓની પૂછપરછ કરવા માટે આજે ઓરિસા રવાના થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ઓરિસાના રાઉરકેલામાંથી સીમીના ચાર શંકાસ્પદ આતંકવાદીઓની મંગળવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલાં પોલીસ અને આતંકી વચ્ચે ત્રણ કલાક સુધી ફાયરિંગ ચાલ્યું હતું. પકડાયેલા ચારેય આંતકીઓ રાઉરકેલાના પૂરેસી મહોલ્લામાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ તથા તેલંગાણા પોલીસે ભેગા મળીને આ ઓપરેશન પાર પાડીને ચારેય આંતકીઓની ધરપકડ કરી છે, જેઓ સીમી માટે મધ્યપ્રદેશ, આંધ્રપદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં કામ કરતા હતા.

એનઆઇએમાં ચારેય આરોપીઓ વોન્ટેડ હતા. જેલ તોડીને ભાગેલા આ ચાંરેય આરોપીઓની ધરપકડ કરાતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેમાં ગુજરાતના વિવિધ શહેરમાં ટ્રેનિંગ અપાઇ હોવાની કબૂલાત પણ કરી છે. જેલ તોડીને ભાગેલા સીમીના આંતકી અબુ ફેજર જે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો છે તેમની સાથે આ ચારેય આંતકીઓ સામેલ હતા. વર્ષ ર૦૦૮માં થયેલા અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલા ચારેય આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે ત્યારે ગુજરાતમાં યુવાનોને આતંકી માટેની ટ્રેનિંગ આપી હોવાની પણ ઓરિસા પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી છે.

આ મુદ્દે એટીએસના ડીએસપી હિમાંશુ શુકલાએ જણાવ્યું છે. પકડાયેલા સીમીના ચાર આતંકીઓ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના કાવતરામાં સંડોવાયેલા હોવાનું સામે આવતાં ચારેય આંતકીઓની પૂછપરછ કરવા માટે એટીએસની ટીમ ઓરિસા જવા માટે રવાના થઇ ગઇ છે. પૂછપરછ દરમ્યાન જાણવા મળશે કે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં તેમનો શું રોલ હતો.

You might also like