સિંહસ્થનું આખરી શાહી સ્નાનઃ હવે ર૦ર૮માં આવો નજારો જોવા મળશે

ઉજ્જૈન: આજે વહેલી પરોઢિયે સવારે ૩-૦૦ વાગ્યે ઉજ્જૈનની ‌િક્ષપ્રા નદીના દત્ત અને રામ ઘાટ પર નાગા સાધુઓએ સિંહસ્થ ર૦૧૬નું આખરી શાહી સ્નાન કર્યું હતું. એક મહિનાથી ચાલી રહેલ સિંહસ્થ કુંભમેળો આજે આખરી સ્નાન સાથે સમાપ્ત થશે. આખરી સ્નાનમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. લગભગ ર૦ લાખ લોકો આખરી સ્નાન કરવા ઉજ્જૈન પહોંચી ગયા છે. જોકે હજુ ર૮ મે સુધી સિંહસ્થ કુંભમેળામાં સંતો અને શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ રહેશે.

પ્રશાસને આ માટે વ્યાપક વ્યવસ્થા પણ કરી છે. આજે વહેલી સવારે ૩-૦૦ વાગ્યે જ્યારે સ્નાન શરૂ થયું ત્યારે સૌ પહેલાં જૂના અખાડાના સાધુ-સંતોએ ‌િક્ષપ્રા નદીમાં શાહી સ્નાન કર્યું હતું. દત્ત ઘાટ પર નિશાન ભાલેના પૂજન બાદ નાગા બાવાઓએ ‌િક્ષપ્રામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ આવાહન અને અગ્નિ અખાડાના નાગા સાધુઓ અને મહામંડલેશ્વરોએ સ્નાન કર્યું હતું.

આ ત્રણ અખાડાના સાધુ સંતોનાં સ્નાન બાદ વહેલી સવારે ૪-૩૦ કલાકે નિરંજની અને આનંદ અખાડાના સાધુઓએ સ્નાન કર્યું હતું. ત્યાર બાદ મહાનિર્વાણી અને અટલ અખાડાના સાધુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જ્યારે રામઘાટ પર ત્રણ વૈષ્ણવ અખાડા- નિર્મોહી, નિર્વાણી અને દિગંબરે સ્નાન કર્યું હતું. તેમની સાથે ત્રણ શીખ અખાડા- બડા ઉદાસીન, નયા ઉદાસીને પણ ડૂબકી લગાવી હતી. સૌથી છેલ્લે નિર્મલ અખાડાના સંતોએ સ્નાન કર્યું હતું.

રર એપ્રિલના રોજ પ્રથમ શાહી સ્નાન સાથે શરૂ થયેેલો સિંહસ્થ મહાકુંભ એક મહિના સુધી ચાલ્યો હતો. આ સિંહસ્થમાં મધ્યપ્રદેશ સરકારે રેકોર્ડ બ્રેક ખર્ચ કર્યો છે. આમ આ સિંહસ્થ કુંભમેળા પાછળ રૂ.૩પ૦૦ કરોડનો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે તેમાંથી રૂ.રપ૦૦ કરોડ ઉજ્જૈન શહેરમાં કાયમી નિર્માણ માટે ખર્ચવામાં આવ્યા હતા. લગભગ ત્રણ કરોડ લોકોએ આ સિંહસ્થની મુુલાકાત લીધી હતી. હવે ૧ર વર્ષ બાદ ર૦ર૮માં આગામી સિંહસ્થ કુંભમેળો યોજાશે.

You might also like