સિંહસ્થ કુંભનો મિજાજ બદલાયો છે!

મહાકાલની નગરી પૃથ્વીનું કેન્દ્રબિંદુ ગણાતા મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં હાલમાં સિંહસ્થ કુંભ ચાલી રહ્યો છે. સમુદ્રમંથન વખતે કીમતી રત્નો સાથે નીકળેલા અમૃતકળશમાંથી અમૃતનાં ચાર બુંદો ઉત્તરાંચલના હરિદ્વાર, ઉત્તર પ્રદેશના પ્રયાગ, મધ્યપ્રદેશના ઉજ્જૈન અને મહારાષ્ટ્રના નાસિક એમ ચાર સ્થળે ઢોળાયા હતા. આથી જ આ ચારેય સ્થળોનું ધાર્મિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે. જે-તે સ્થળે દર બાર વર્ષે યોજાતા કુંભને સિંહસ્થ કુંભ તરીકે ઓળખવામાં આવે છે.

ગત વર્ષે નાસિક ખાતે સિંહસ્થ કુંભ યોજાયો હતો, હાલમાં ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભ ચાલી રહ્યો છે અને હવે ર૦રરમાં હરિદ્વાર ખાતે સિંહસ્થ કુંભ યોજાશે. ઉજ્જૈન ર૧ એપ્રિલ, ર૦૧૬થી શાહીસ્નાન સાથે સિંહસ્થ કુંભનો પ્રારંભ થયો હતો. ૯ મે, ર૦૧૬ ને અખાત્રીજના દિવસે બીજું શાહીસ્નાન યોજાયું હતું અને ર૧ મે, ર૦૧૬ના રોજ પ્રમુખ શાહીસ્નાન સાથે સિંહસ્થ કુંભનું સમાપન થશે. આ દરમિયાન એક કરોડથી વધુ શ્રદ્ધાળુ આસ્થાની ડૂબકી લગાવશે.

સિંહસ્થ કુંભ એ સાધુ, સંસ્કૃતિ અને સમાજનો ત્રિવેણીસંગમ ગણાય છે. સિંહસ્થ કુંભ ભારે શ્રદ્ધા સાથે પરંપરાગત રીતે મનાય છે. જોકે ઉજ્જૈનમાં યોજાયેલા આ સિંહસ્થ કુંભમાં અગાઉના સિંહસ્થ કુંભ કરતાં સાધુજીવન, સાંસ્કૃતિક રીત અને સામાજિક રીતમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે.

કુંભમાં પાણીની તંગી નથી
દેશનાં કેટલાંક રાજ્યોમાં દુકાળની સ્થિતિ પ્રવર્તી રહી છે અને કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે ટ્રેન-ટેન્કર દોડાવાઈ રહ્યાં છે ત્યારે ઉજ્જૈનની શિપ્રા નદીમાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓને પીવાના પાણી માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

મધ્યપ્રદેશ સરકારનાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ કુંભ અગાઉ શિપ્રામાં માત્ર એકાદ ફૂટની ઊંડાઈ જેટલું જ પાણી હતું. જોકે કુંભ દરમિયાન શ્રદ્ધાળુઓ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે અમરકંટકના પહાડોમાંથી વહેતું નર્મદાનું પાણી શિપ્રામાં ઠાલવવા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. શાહીસ્નાન વખતે ૭૦ હજાર ક્યુસેક પાણી શિપ્રામાં ઠાલવવામાં આવે છે.

આ ઉપરાંત કુંભમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓને પીવા માટે પણ અલાયદી વ્યવસ્થા મધ્યપ્રદેશ સરકારે ઊભી કરી છે. કુંભમેળાના ૩૦૦૦ હેક્ટરના અંતરિમ ક્ષેત્રમાં દર ૩૦૦ મીટરના અંતરે પીવા માટે મિનરલ પાણીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ ઉપરાંત મેળાની ભીડમાં શ્રદ્ધાળુઓ તરસ છીપાવી શકે તે માટે સાત લિટરની પાણીની ટાંકી ખભે બાંધીને ફરતાં સ્વયંસેવકોની વિશેષ ટીમ પણ ફરતી રહે છે.

કિન્નરોનો પણ અખાડા પ્રવેશ
સિંહસ્થ કુંભમાં સાધુ-સંતો અને સાધ્વીઓ મોટા પ્રમાણમાં ઊતરી પડે છે. ભારતભરના સાધુ-સંતોના અખાડા માટે સરકારે પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવી પડે છે. ઉજ્જૈનમાં તપોનિધિ નિરંજન અખાડા, પંચાયતી આનંદ અખાડા, પંચાયતી આહ્વાન અખાડા, પંચાયતી અગ્નિ અખાડા, પંચાયતી નયા ઉદાસીન અખાડા, મહાનિર્વાહ અખાડા, પંચઅટલ અખાડા, નિર્મલ અખાડા, પંચાયતી બડા ઉદાસીન અખાડા, નિર્વાન અગ્નિ અખાડા, દિગંબર અગ્નિ અખાડા, નિર્મોહી અગ્નિ અખાડા સહિત ભારતભરના અખાડાઓએ હાજરી આપી છે અને લાખો સંતો-મહંતો અને સાધ્વીઓએ શાહીસ્નાનમાં ભાગ લીધો હતો.

મહિલા સાધ્વીઓના અખાડાઓએ કુંભમાં ભાગ લીધો હતો. જોકે આ અખાડાને કુંભમાં પંડાલ માટે જમીન નહીં ફાળવાતાં સાધ્વી ત્રિકાલ ભવંતાએ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં મહિલા અખાડા માટે સરકારે વિશેષ વ્યવસ્થા ઊભી કરીને મહિલા સાધ્વીના પ્રકોપને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારતભરના પ્રમુખ અખાડાઓ સાથે આ સિંહસ્થમાં ચાલુ વર્ષથી કિન્નર અખાડાએ પણ ડેરો જમાવ્યો હતો, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મોટાભાગના લોકો કિન્નર અખાડાને જોઈને અચંબામાં પણ પડી ગયા હતા.

કિન્નર અખાડામાં ભારે ભીડ
સાધુ-સંતોના અન્ય અખાડાઓ કરતાં કિન્નર અખાડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હતા. કિન્નર અખાડાને હિન્દુ ધર્મપરિષદ દ્વારા અખાડાની માન્યતા આપવામાં આવી નથી. આથી કિન્નર મહંતો દ્વારા જાતે જ અખાડાની જાહેરાત કરીને લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની મહામંડલેશ્વરની નિમણૂક પણ કરવામાં આવી હતી. આ પાછળ કિન્નર અખાડાના સંરક્ષક અજયદાસજીએ એવો તર્ક કર્યો કે, “સમાજ દ્વારા કિન્નરોનો ઉપહાસ અને બહિષ્કાર ભલે કરવામાં આવે, પરંતુ સમગ્ર વિશ્વ ત્રિપરિમાણીય છે.

પુરાણોમાં દેવોની સાથે કિન્નરોની ગણના થઇ છે તો વિજ્ઞાન ક્ષેત્રે પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એમ ત્રિપરિમાણીય છે. વ્યાકરણ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ છે અને દેવોમાં દેવ, માતા અને અર્ધનારેશ્વર છે. આમ, સમગ્ર બ્રહ્માંડ ત્રિપરિમાણીય છે તો ધર્મસંસદ કિન્નરોના અખાડાને માન્યતા આપવાની ના કઈ રીતે પાડી શકે? સિંહસ્થમાં અમે અર્ધનારેશ્વરના રૂપમાં હાજર છીએ.”

સાધુ-સંતોના અખાડા ઉપરાંત સરકાર દ્વારા પણ કિન્નરો પ્રત્યે ભેદભાવ રખાયાનો સૂર પણ ઊઠ્યો હતો. સરકાર પર આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે ત્રીજી જાતિ (થર્ડ જેન્ડર)ને મુખ્ય પ્રવાહમાં ગણવા મંજૂરી આપી દીધી છે ત્યારે અમને સરકાર દ્વારા અખાડા માટે જમીન ફાળવણીથી લઈને તમામ મુદ્દે અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે? અન્ય સાધુઓના અખાડા કરતાં અમારા અખાડામાં ભારે ભીડ જોવા મળી રહી છે એ જ સૂચવે છે કે લોકોએ સિંહસ્થમાં આવેલા શ્રદ્ધાળુઓએ અમો દ્વારા સ્થાપિત કિન્નર અખાડાનો સ્વીકાર કર્યો છે. અમે પણ દરેક શ્રદ્ધાળુને આશીર્વાદ પાઠવીએ છીએ.” શાહીસ્નાનમાં કિન્નર અખાડાના પાંચેક હજાર સાધુઓએ પણ ડૂબકી લગાવી હતી.

વરસાદનાં વધામણાં પરંતુ વાવાઝોડું વિલન
૯ મેના સિંહસ્થ કુંભનું બીજું શાહીસ્નાન યોજાયું હતું. આ દિવસે સવારે ૪ વાગ્યાથી સાધુ-સંતો હાથીની પાલખી સહિતનાં વાહનોમાં સ્નાન માટે હર હર મહાદેવ તથા બમ બમ ભોલેના નારા સાથે શિપ્રા કાંઠેથી નીકળી પડ્યા હતા. સાધુસંતો માટે રામઘાટ અને અન્ય શ્રદ્ધાળુ માટે અન્ય ઘાટ પર સ્નાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે બપોરના સમયે અચાનક વરસાદ પડવાની શરૂઆત થઈ હતી.

શરૂઆતમાં તો શ્રદ્ધાળુઓએ વરસાદનાં ટીપાંને અમૃતનાં બુંદો ગણીને વધાવી લીધાં હતાં, પરંતુ વરસાદની સાથે ફૂંકાયેલા વાવાઝોડાએ અનેક પંડાલોને તહસનહસ કરી નાખ્યા હતા. આ વાવાઝોડાથી સાતેક વ્યક્તિનાં મૃત્યુ અને પાંચેક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલો પણ સાંપડ્યા હતા. શાહીસ્નાન દરમિયાન બહેનો માટે શિપ્રા કાંઠે બહેનો માટે આડશ ઊભી કરવામાં આવી હતી તે પણ પવનના વેગથી ફંગોળાઈ હતી.

આથી આડસની લપેટમાં આવેલી મહિલાઓ નદીમાં તણાવા લાગી હતી. જોકે તહેનાત કરાયેલી સિવિલ ડિફેન્સની ટીમે તુરંત જ કામગીરી હાથ ધરીને બહેનોને બચાવી લીધી હતી. આ અંગે જિલ્લા અધિકારી એલ.બી. કૌલે કહ્યું કે, “દરરોજ એક- બે વ્યક્તિ ડૂબવાની ઘટના બને છે, જેમાં બાળકોની સંખ્યા વધુ હોય છે. મોટી જાનહાની થઈ હોય એવું ક્યારેય બન્યું નથી. કોઈ નદીમાં ડૂબેલા લાગે કે તરત જ અમારી સિવિલ ડિફેન્સની ટીમ બચાવ કામગીરી આરંભી દે છે.”

શહીદોની યાદમાં ૧૦૮ કુંડી યજ્ઞ
સિંહસ્થ કુંભ દરમિયાન એક પંડાલમાં ભારત માતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોના વિશાળ ફોટાઓ લગાવાયેલા હતા. પંડાલ વચ્ચે ભારત માતાનો વિશાળ રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હતો અને અંદર ધૂણીમાંથી વેદોક્ત મંત્રોચ્ચાર થઇ રહ્યા હતા. સાહજિકતાથી જ આ અંગે તપાસ કરતાં જણાયું કે આ બાલક યોગેશ્વરદાસજીનો અખાડો છે અને બાલકદાસ બાપુ પોતે લશ્કરી પરિવારમાંથી આવે છે. આથી જ તેમના દ્વારા એક નવો ચીલો ચાતરવામાં આવ્યો હતો. કારગિલ યુદ્ધમાં શહીદી વહોરનાર તમામ શહીદોના ફોટા યજ્ઞશાળાની ફરતે મૂકીને ૧૦૮ કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જવાનોના આત્માની શાંતિ માટે આ અખાડા દ્વારા ૨૫ વખત ૧૦૦ કુંડીનો અતિ વિષ્ણુયાગ થઈ ચૂક્યો છે.

જેમાં શહીદોના પરિવારોને પણ સામેલ કરવામાં આવે છે. આ વખતે યોગેશ્વરદાસજીએ આ કાર્યક્રમ સિંહસ્થ કુંભમાં હાથ ધરીને શહીદોની યાદગીરી માટે નવી પરંપરા આરંભી છે. એક માસ સુધી ચાલતા આ યજ્ઞમાં શહીદોના પરિવારના સભ્યો દ્વારા સવાસો કરોડની આહુતિ અપાય છે. બાલક યોગેશ્વરદાસજી કહે છે, “યજ્ઞના માધ્યમથી શહીદોની વાત લોકો સમક્ષ રજૂ થતી હોઈ મહાકાલની નગરીમાં શહીદોને સાચી શ્રદ્ધાંજલી માટે આ આયોજન હાથ ધરાયું છે.”

અંતે કહી શકાય કે સાધુ-સંતો અને સરકારના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપે આ કુંભ અદ્ભુત બન્યો છે. જેમાં પૌરાણિક માન્યતાઓ અને આધુનિક ટેક્નોલોજીનો સંગમ એક સાથે જોવા મળ્યો હતો. અન્ય કુંભ જેવી પરંપરાગત પદ્ધતિ અને ઉજવણી કરતાં પણ આ કુંભમાં કાંઈક વિશેષ જોવા મળ્યું હતું અને સાધુ-મહંતો, સાધ્વીઓ સહિત લગભગ એક કરોડ જેટલા શ્રદ્ધાળુએ સિંહસ્થ દરમિયાન પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.

ગૌતમ શ્રીમાળી, કૃતાર્થ જોષી

You might also like