સપ્તાહમાં ચાંદીના ભાવમાં રૂિપયા 1000નો ઘટાડો

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે રૂપિયાનું ધોવાણ થતું અટક્યું છે. એક સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૦.૭૨ પૈસા મજબૂત થયો છે, જેના પગલે ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.

સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. ૧૦૦૦નો ઘટાડો જોવાઈ ચૂક્યો છે. આજે શરૂઆતે ચાંદીના ભાવ રૂ. ૪૦,૦૦૦ની સપાટીએ ખૂલ્યા હતા. એ જ પ્રમાણે સોનાના ભાવમાં પણ સપ્તાહ દરમિયાન રૂ. ૪૦૦નો ઘટાડો જોવા મળ્યો છે. આજે શરૂઆતે સોનાના ભાવ રૂ. ૩૧,૮૫૦ની સપાટીએ ખૂલ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ૦.૫૫ ટકાનો ઘટાડો નોંધાઈ ૧૨૯૩ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ભાવ જોવા મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો સપ્લાય વધતાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો અને તેની અસર બુલિયન બજાર ઉપર જોવા મળી હતી.

બીજી બાજુ રૂપિયામાં પણ રિકવરી જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયો ૭૨ પૈસા રિકવર થયો હતો. ગઈ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૭.૦૫ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

You might also like