સપ્તાહમાં ચાંદીમાં ૧૨૦૦નો ઘટાડો

અમદાવાદ: સ્થાનિક બજારમાં એક સપ્તાહમાં ચાંદીમાં ૧૨૦૦ રૂપિયાથી પણ વધુનો કડાકો બોલાયો છે. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં ચાંદી ૪૫,૧૦૦ની સપાટીએ ખૂલી હતી.  સ્થાનિક બુલિયન બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડાના નિર્ણયની અસરથી તથા વૈશ્વિક બજારમાં ડોલરની નરમાઇના કારણે બુલિયન બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. તો બીજી બાજુ સ્થાનિક બજારમાં રૂપિયાની જોવા મળેલી મજબૂતાઇના કારણે ચાંદી અને સોનામાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે એક સપ્તાહમાં ચાંદી પ્રતિકિલો ૧૨૦૦ રૂપિયાથી પણ વધુ તૂટી છે. આ જ પ્રમાણે સોનામાં પણ ઘટાડાની ચાલ નોંધાઇને આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૩૧,૫૦૦ની સપાટીએ ખૂલેલું જોવા મળ્યું છે. બુલિયન એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દર યથાવત્ રાખ્યા બાદ બુલિયન ઉપર તેની સીધી અસર જોવા મળી હતી. ત્યાર બાદ ઓપેકના નિર્ણયના પગલે ડોલરમાં નરમાઇ નોંધાઇ હતી.

નોંધનીય છે કે ૨૦૦૮ બાદ પ્રથમ વાર ઓપેક દેશો દ્વારા ક્રૂડમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે. દરમિયાન તહેવારો પૂર્વે જ ચાંદી અને સોનાના ભાવમાં ઘટાડાના પગલે સ્થાનિક જ્વેલરી બજારમાં હાશકારાનો માહોલ જોવા મળ્યો છે. તેઓના કહેવા પ્રમાણે શનિવારથી નવરાત્રિ શરૂ થઇ રહી છે તથા આગામી
દિવસોમાં દિવાળીના તહેવારો શરૂ થશે ત્યારે ચાંદી અને સોનાના ભાવમાં ઘટાડાથી ઘરાકીમાં વધારો જોવાઇ શકે છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સોના અને ચાંદીમાં ૨૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે ત્યારે તાજેતરમાં જોવા મળેલા ઘટાડાના પગલે નીચા ભાવે રોકાણરૂપી ખરીદી વધે તેવી શક્યતા બુલિયન બજારના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

You might also like