અૈતિહાસિક વ્યાપાર કરાર પર ૧૨ દેશોઅે કરેલા હસ્તાક્ષર

ઓકલેન્ડ: પાંચ વર્ષ સુધી ચાલેલી મંત્રણા બાદ અમેરિકાની આગેવાનીમાં અૈતિહાસિક ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર પર ૧૨ દેશોની સરકાર તરફથી ગઈ કાલે હસ્તાક્ષર થયા હતા. આ કરારમાં ખર્ચ સંબંધી વાંધાઓને નાબૂદ કરવાની ખાતરી આપવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ પ્રશાંત તટિય ભાગીદારી સમજૂતીનું મુખ્ય લક્ષ્ય સભ્ય દેશો વચ્ચે વેપાર અને રોકાણને લગતી તમામ સમસ્યાઓને દૂર કરવાનું છે. આ સમૂહમાં સામેલ ૧૨ દેશોની ગ્લોબલ અર્થવ્યવસ્થામાં લગભગ ૪૦ ટકા યોગદાન છે. આ દેશોની સંયુકત રીતે વસતિ લગભગ ૮૦ કરોડ છે. જે જગ્યાઅે હસ્તાક્ષર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો તેની બહારના રોડ પર હજારો દેખાવકારોઅે ટ્રાફિક જામ સર્જી દીધો હતો. દેખાવકારોઅે આક્ષેપ કર્યો હતો કે આ સમજૂતીથી લોકો માત્ર નોકરીઓ જ ગુમાવી નહિ બેસે પરંતુ‌ દેશની સંપ્રભુતા સામે પણ ખતરો ઉભો થશે.

ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જોન કી અને અમ‌ેરિકાના વેપાર પ્રતિનિધિ માઈક ફ્રોમેને ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ અેટલે ટીપીપી પર થયેલી સમજૂતીને લઈને સભ્ય દેશોને શુભેચ્છા પાઠવી. આ સમારોહમાં જોન કીઅે જણાવ્યું કે કરાર પર હસ્તાક્ષર મહત્વનું કદમ છે. પરંતુ આ સમજૂતી વાસ્તવિક રીતે લાગુ નહિ પડે ત્યાં સુધી તેનો કોઈ અર્થ નથી. ટીપીપીમાં અનેક મોરચા પર આગામી બે વર્ષ સુધી સુધારાની કોશિશ ચાલુ રહેશે. આ કરારને લાગુ કરવા ૧૨માંથી અેવા છ દેશોઅે કરારની આખરી સમજૂતીને મંજૂરી આપવી પડશે. જેનો જીડીપી તમામ ૧૨ દેશોના ૮૫ ટકાની બરોબર રહે છે. ચિલીના વિદેશ પ્રધાન હેરાલ્ડો મુનોજે જણાવ્યું કે આ દેશોઅે હવે અેશિયા પ્રશાંત મુક્ત વેપાર ક્ષેત્ર(અેફટીઅેઅેપી)ની રચના તરફ પણ આગળ વધવુ જોઈઅે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાઅે ટીપીપીને અત્યાર સુધીનો મોટો બહુરાષ્ટ્રીય વ્યાપાર સમજૂતી કરાર ગણાવતાં જણાવ્યું કે આ સમજૂતીથી અમેરિકાને વિદેશી બજારમાં વધારો મળશે. તેને ચીન જેવી અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાની સરખામણીઅે અનેક પ્રકારનો લાભ થશે.

You might also like