સિદ્ધપુરના આ શહીદ વીર સપુતના પરિવારની વેદના લોકો સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ

સિદ્ધપુર: દેશ ભક્તિ અને દેશ ભક્તિના ગીતો સ્વતંત્ર દિવસ પર જરૂર સાંભળવા મળશે તો ક્યાંક નેતાઓ સફેદ કપડામાં સજ્જ થઈને દેશ ભક્તિની વાતો કરતા જોવા અને સાંભળવા મળશે પરંતુ સાચી દેશ ભક્તિ અને દેશને બલિદાન કોને આપ્યું અને આ બલિદાન આપનાર શહીદ વીરોના પરિવારોની વેદના કદાચ આ નેતાઓનાં ભાષણમાં દબાય જાય તો નવાય નહી. આવી જ એક શહીદ વીર સપુતના પરિવારની વેદના લોકો સુધી પહોંચાડવાનો અમારો એક નાનકડો પ્રયાસ શહીદોની શહાદત એળે ના જવી જોઈએ.

પાટણ જીલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલા નવાવાસ એવા વણકરવાસમાં રહેતા મણીલાલ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના પત્ની પુષ્પાબેન તેમજ બે દીકરા મોટો દીકરો ચિરાગ અને નાનો દીકરો જીગ્નેશ. મોટા દીકરા ચીરાગને નાનપણથી જ સેનામાં જોડાવવાની ઈચ્છા હતી. પરિવારે પણ તેના સપનાને સાકાર કરવા બનતી પૂરી મહેનત કરી અને આ મહેનત રંગ લાવી અને ચિરાગ તા.૧/૬/૨૦૦૨ નાં રોજ જમ્મુ કાશ્મીરમાં બીએસએફ બટાલિયન નંબર ૫૬ અને બક્કલ નંબર ૧૪૯ તેને નોકરી મળી.

ચિરાગે પોતાની ફરજ દરમિયાન કેટલાય આતંકવાદીઓને ઠાર કર્યા હતા પરંતુ જમ્મુ-કાશ્મીરના લોવર મુંડા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સેનાની બસની ઉપર દૂરબીનથી વોચ રાખી રહ્યા હતા ત્યારે માર્ગમાં આતંકવાદીઓએ આરડીએક્સ પાથરેલ અને તેનો શિકાર આ બસ બની જતા તેઓ કાફલા સાથે મોત ને ભેટ્યા હતા.

તેમના મોતના સમાચાર સેના દ્વારા ગાંધીનગર આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિદ્ધપુર પરિવારને આપવામાં આવ્યા હતા. સમાચાર જાની પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હોય હોય તેવી પરિસ્થિતિ સર્જાવવા પામી હતી. પરંતુ દીકરો દેશ માટે શહીદ થયો છે તેઓ ભાવ મનમાં આવતા દુખની સાથે ગર્વ પણ આ પરિવારને ભારોભાર હતો. જોકે સમયે પણ આ પરિવાર સાથ મજાક કરવામાં કાંઈ બાકી રાખ્યું ના હોય તેવું લાગી રહ્યું છે.

ઘરમાં ચિરાગની અણધારી વિદાય બાદમાં માતાને પોતાના દીકરાને ગુમાવવાનો સદમો એવો લાગ્યો છે કે તેમની માનસિક સ્થિતિ પર અસર થવા પામી છે. બસ દીકરના ફોટા સામે બેસી રહે છે તો પોતાના દીકરાની વર્દીને સાચવી ને યાદ કર્યા કરે છે. ચિરાગના પિતા પણ કેન્સર જેવી ભયંકર બીમારીથી પીડાઈ રહ્યા છે. તો ચિરાગનો નાના ભાઈએ આખા પરિવારની જવાબદારી ઉઠાવી લીધી છે. ચીરાગને મળેલી સહાય પિતાના કેન્સર ની બીમારીમાં વપરાઈ ગઈછે તો સરકાર પાસે નોકરીની આશા સેવી રહ્યો છે.

સિદ્ધપુર તંત્ર દ્વારા એક પ્રાથમિક શાળાનું નામ શહીદ વીર ચીરાગ રાખવામાં આવ્યું છે તેમજ એક માર્ગનું નામ શહીદ વીર ચિરાગ ચૌહાણ ચોક રાખવામાં આવ્યું છે. ચિરાગના બાળપણના મિત્રોએ પોતાનાં મિત્રની યાદોને વાગોળતા થાકતા નથી. જોકે તેમના મિત્રની શહાદતથી તેમની પણ છાતી ગર્વથી જરૂર ફૂલી જાય છે. પરંતુ પોતાના મિત્ર અને સિદ્ધપુરનાં વીરની પ્રતિમા તંત્ર દ્વારા નહી મુકાતા તેનો રંજ પણ છે. ચિરાગ શહીદ થયો ત્યારે નેતાઓ દ્વારા શહીદની પ્રતિમા મુકવાની વાત થઈ હતી. પરંતુ તે વાત ઠાલી નીકળતા શહીદના મિત્ર વર્તુળમાં તેમજ દલિત સમાજમાં દુખની જોવા મળી રહી છે.

જ્યારે પણ કોઈ હોનારત આવે છે ત્યારે દેશમાં પહેલા આર્મીને એટલે કે સેનાને બોલાવવામાં આવે છે. પોતાના જીવની પરવા કર્યા વિના આપણા સમાજ જીવનની રક્ષા કરનાર આ શહીદોની શહાદતનું મુલ્યાંકન કરવામાં કદાચ શબ્દો ઓછા પડે. સરકાર શહીદોના પરિવારની ચિંતા કરવામાં ઉણી ઉતરી હોય તેવું આ શહીદ પરિવારની મુશ્કેલી પરથી જાણી શકાય છે.

કહેવાય છે મોત જીવનનો એક હિસ્સો છે. મોત એ કોઈને જશ કે સન્માન નથી અપાવતું. પણ હા દેશની રક્ષા કાજે નીપજેલું મોત એ હજાર જિંદગીઓથી પણ વીશેષ અને ખાસ હોય છે. આ મોતની સુવાસ જગતમાં સતત પથરાતી રહે છે સિદ્ધપુરના આ શહીદ વીર સપુતને લાખ લાખ વંદન.

You might also like