સબરીમાલા વિવાદ: હિન્દુ મહિલા નેતાની ધરપકડ થયા બાદ ‘કેરળ બંધ’નું એલાન

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સરબીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે થઈ રહેલો વિરોધ અને વિવાદ સતત વધતો જાય છે. ભગવાન અયપ્પાનાં દર્શન કરવા માટે પહોંચેલી મહિલાઓને પ્રદર્શનકારીઓના ઉગ્ર વિરોધ અને રોષનો સામનો કરવો પડે છે.

આજે આ વિવાદ ઘણો વધી ગયો છે. હિન્દુ એક્યા વેદીની અધ્યક્ષ કે.પી. શશિકલાની આજે વહેલી સવારે થયેલી ધરપકડ બાદ સબરીમાલા કર્મા સમિતિએ કેરળ બંધનું એલાન આપ્યું છે. શશિકલાની ઉંમર પ૦ વર્ષથી વધુ છે અને તે સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાનાં દર્શન માટે પહોંચી હતી, પરંતુ તેને મંદિરમાં જતી અટકાવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે હિન્દુ એક્યા વેદી સંગઠન ખૂબ જાણીતું છે, જે સુપ્રીમ કોર્ટ તરફથી તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપતા ચુકાદાનો ભારે વિરોધ કરી રહ્યું છે. શશિકલાની ધરપકડ બાદ સબરીમાલા કર્મા સમિતિએ ૧ર કલાકના કેરળ બંધનું એલાન કર્યું છે.

આજે સવારે ૬ વાગ્યાથી જ કેરળ બંધની સમગ્ર રાજ્યમાં વ્યાપક અસર જોવા મળી હતી. ભાજપ પણ આ બંધના સમર્થનમાં છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એસ.જે. કુમારે આરોપ લગાવ્યો કે હિન્દુ એક્યા વેદીનાં પ્રદેશ અધ્યક્ષ કે.પી. શશિકલાને પોલીસે સબરીમાલા નજીક આવેલા મારાકોટ્ટમથી ગેરકાયદે પકડ્યા હતા.

કુમારે જણાવ્યું કે શશિકલા ભગવાનની પૂજા કરવા માટે પૂજન-સામગ્રી લઈને પહાડી ઉપર ચડી રહી હતી. એ દરમિયાન જ તેની ધરપકડ કરવામાં આવી હતી. શશિકલા સાથે અન્ય કેટલાક કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે કેરળ સરકાર સબરીમાલા મંદિરને નષ્ટ કરવા ઈચ્છે છે. વિહિપના નેતાએ જણાવ્યું કે આજના કેરળ બંધ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ અને અયપ્પાના શ્રદ્ધાળુઓનાં વાહનોને રોકવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટ દ્વારા અયપ્પા સ્વામી મંદિર (સબરીમાલા મંદિર)માં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપાયા બાદ મંદિર ત્રીજી વખત ખૂલ્યું છે. આજથી શરૂ થઈ રહેલ બે મહિના લાંબી તીર્થયાત્રા માટે મંદિર ગઈ કાલે સવારે સાડા પાંચ વાગ્યે ખૂલ્યું હતું. વિવાદ અને વિરોધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

૪૧ દિવસ સુધી ચાલનારો ‘મંડલમ ઉત્સવ’ મંડલા પૂજા બાદ ર૭ ડિસેમ્બરે સમાપ્ત થશે, જ્યારે મંદિરને ‘અથાઝાપુજા’ બાદ સાંજે બંધ કરી દેવામાં આવશે. સબરીમાલા મંદિરના કપાટ ૩૦ ડિસેમ્બરે મકરાવિલક્કુ ઉત્સવ માટે ફરીથી ખૂલશે. મકરાવિલક્કુ ઉત્સવ ૧૪ જાન્યુઆરીએ ઊજવાશે. ત્યારબાદ ર૦ જાન્યુઆરીથી મંદિર ફરીથી બંધ થઈ જશે.

You might also like