મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહ્યું કે….

મરણાસન્ન વ્યક્તિનાં ગમે તેવાં આચરણ રહ્યાં હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ જાય છે. મનુષ્‍ય પ્રત્યેક ક્ષણે ભગવાનનું સુમિરણ કરે..એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે, કેમ કે અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી જશે. વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે. એવું કાંઇ નક્કી નથી કે આટલાં વર્ષો, આટલા મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે. મૃત્યુની ગતિ હરઘડી ચાલી જ રહી છે, આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ અને એમ સમજવું જોઇએ કે બસ આ જ અંતકાળ છે.

કોઇપણ બીમાર મરણાસન્ન વ્યક્તિ હોય તો તેના ઇષ્‍ટનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવાં જોઇએ. જેવી જેની ઉપાસના હોય અને જે ભગવાનમાં તેની રુચિ હોય, જેનો એ જપ કરતો હોય એ જ ભગવાનનું નામ તેને સંભળાવવું જોઇએ. જે સ્વરૂ૫માં તેની શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેની યાદ અપાવવી જોઇએ. જો તે બેહોશ થઇ જાય તો તેની પાસે ભગવાનના નામનું જ૫ કીર્તન કરવું જોઇએ, જેથી તે મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત્સબંધી વાયુમંડળ બનેલું રહે. ભગવત્સબંધી વાયુમંડળ રહેવાથી ત્યાં યમરાજના દૂતો આવી શકતા નથી. ભગવાનની યાદ આવવાથી “હું શરીર છું” અને શરીર “મારું” છે તેની યાદ રહેતી નથી, ફક્ત ભગવાનને જ યાદ કરતાં કરતાં શરીર છુટી જાય છે અને તેને ભગવાનની પ્રાપ્‍તિ થઇ જાય છે.

મૃત્યુને રોકી શકાતું નથી, પરંતુ મંગલમય બનાવી શકાય છે. આ વાતને સમજાવતાં મહા મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કેઃ “હે રાજન ! પોતાનાં કલ્યાણનાં સાધન તરફ અસાવધાન રહેનાર પુરુષ વર્ષો લાંબા આયુષ્‍યને અજાણમાં જ વ્યર્થ ગુમાવી દે છે તેનાથી શું લાભ..? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલ ઘડી બે ઘડી ૫ણ શ્રેષ્‍ઠ છે કારણ કે તેના દ્વારા પોતાના કલ્યાણની ચેષ્‍ટા કરી શકાય છે. રાજર્ષિ ખટ્વાંગ પોતાના આયુષ્‍યની સમાપ્‍તિનો સમય જાણીને બે ઘડીમાં જ સર્વસ્વનો ત્યાગ કરીને ભગવાનના અભય૫દને પ્રાપ્‍ત થઇ ગયા હતા.

મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહે છે કેઃ
“મૃત્યુનો સમય આવતાં મનુષ્‍યએ ગભરાવવું જોઇએ નહી. તેમને વૈરાગ્યનાં શસ્ત્રથી શરીર અને તેનાથી સબંધ રાખવાવાળાઓના પ્રત્યે મમતા તોડી નાખવી. સદગુરુએ બ્રહ્મજ્ઞાનની સાથે જ પ્રદાન કરેલ ગુરુમંત્રનું નિરંતર સુમિરણ કરવું. પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણના માટે ૫ણ પ્રભુના નામ સુમિરણને ન ભૂલવું. બુદ્ધિની સહાયતાથી મન દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયો તરફથી હટાવી લેવી અને કર્મની વાસનાઓથી ચંચળ બનેલા મનને વિચારોના દ્વારા રોકીને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન કરવું.આમ ધ્યાન કરતાં કરતાં વિષય વાસનાથી રહિત મનને પૂર્ણ રૂ૫થી ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કે ૫છી અન્ય વિષયનું ચિન્તન જ ના થાય.”

You might also like