શ્રી નાથદ્વારાનાં ધ્વજાજી

સંવત ૧પપ૬માં અંબાલાના પૂરણમલ ક્ષત્રિયને શ્રીજીએ સ્વપ્ન દ્વારા નવું મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી. તે જ રીતે શ્રીજીએ હીરામણિ મિસ્ત્રીને પણ આજ્ઞા કરી. બંને વ્રજમાં આવ્યા. મહાપ્રભુજીની આજ્ઞા લઇ મંદિરનો નકશો ત્રણ વખત બનાવ્યો. પરંતુ ત્રણે વખત શિખરબંધી મંદિરનો નકશો જ તૈયાર થયો. તેને ભગવત્ ઇચ્છા માની મહાપ્રભુજીએ આજ્ઞા આપી. સંવત ૧પ૭૬માં ‌મંદિર તૈયાર થયું. તેની ટોચ પર કળશ, સુદર્શન ચક્ર અને સાત વિવિધ રંગની ધ્વજાઓ ફરકતી હતી.

ત્યારબાદ શ્રીનાથજી સિંહાડ ગામમાં આવીને વસ્યા. મેવાડના મહારાણાએ ગિરિરાજ પરના મંદિર જેવું જ મંદિર તૈયાર કરાવ્યું અને ૧૭ર૮માં શ્રીજી ત્યાં બિરાજ્યા. ‘ચાર ચોક કો મંદિર બનવાયો, આપ વિરાજે વહાલો છપ્પર તરી’ મંદિર વિશાળ ચાર ચોકવાળું છે છતાં શ્રીજી એક છાપરાની નીચે જ છે. છાપરા પર કળશ છે. બાજુમાં સદર્શન ચક્ર બિરાજે છે અને ઊંચા સ્તંભ પર સાત ધ્વજાઓ લહેરાય છે. તેની ફરતે ચાર સિંહ છે.

મોટો કળશ પ્રેમ અને પ્રભુતાથી સભર છે અને નાનો કળશ ભોગ અને શૃંગારથી સભર છે, જેને અનુક્રમે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુંસાઇજીએ પ્રાધાન્યતા આપી છે. સદર્શન ચક્ર નિજ ભક્તોનાં રક્ષણ માટે પ્રભુએ ધારણ કર્યું છે. સુદર્શન સારૂપ છે તેથી સુદર્શન પર અત્તર ચઢાવવામાં આવે છે. જે વૈષ્ણવ શુદ્ધ અત્તર ચઢાવે છે, તેનું અંતર શુદ્ધ થાય છે કળશની નીચે ચાર સિંહ જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં પ્રતીક છે. તે અનાધિકારીને અંદર આવવા દેતા નથી.

કળશની બાજુમાં સાત ધ્વજાજી ફરકે છે. પ્રત્યેક રંગની ધ્વજાનો વિશિષ્ટ ભાવ છે. સાતેય ધ્વજાજી વાંસમાં પરોવાયેલાં છે કારણ કે શ્રીજીને વાંસ ખૂબ જ પ્રિય છે.  સંવત ૧૮૭૮માં તિલકાયથી દામોદરજી મહારાજે શ્રીનાથજીને છપ્પનભોગ આરોગવવાનો મનોરથ કર્યો. છપ્પનભોગની તૈયારી થવા લાગી. આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી પણ શક્તિ, સમય અને સંપત્તિથી અશકત વૈષ્ણવો શ્રીજીનાં આ છપ્પનભોગના દર્શન કરી શકયા નહિ તેથી  વૈષ્ણવોને વિરહ થયો. શ્રીજીએ દાઉજી મહારાજશ્રીને પ્રેરણા કરી, પરોક્ષ રીતે પોતાનું દર્શન અને સેવાનું સુખ આપવા કૃપા કરી.

શ્રીજીની ઇચ્છા પ્રમાણે શ્રી દાઉજી મહારાજે સેવકોને જુદા જુદા પ્રદેશમાં શ્રીનાથજીના ધ્વજાજી પધરાવવાની વ્યવસ્થા કરી અને વૈષ્ણવ ભક્તોને સ્વરૂપના દર્શન કરાવ્યા. વૈષ્ણવો શ્રી ધ્વજાજીને સાક્ષાત શ્રીજી સ્વરૂપથી ભાવનાથી ભોગ ધરે, દંડવત કરે અને સેવા કરે શ્રી ધ્વજારોહણ મહોત્સવ ૧૭૭ વર્ષથી પ્રચલિત છે. આજે પણ વૈષ્ણવો શ્રી ધ્વજાજીને પધરાવી શ્રીજી સાક્ષાત દર્શનનો અનુભવ કરે છે.  શ્રીનાથજીના પ્રત્યક્ષ દર્શનથી જે ફળ મળે તે ફળ શ્રી ધ્વજાજીનાં દર્શન કરવાથી મળે છે.•

You might also like