શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી

ગોલોકમાં બિરાજતા પૂર્ણ પુરુષોતમ ભગવાન સારસ્વત કલ્પમાં વ્રજ – ગોકુળમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણના નામે પ્રસિદ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષો થઈ ગયાં. દરમ્યાન ઘણા ભકતાત્માઓને ફરી પૃથ્વી પર જન્મ લેવાનો થયો. ફરીથી તેમનો ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઈ. ત્યારે ભગવાને પોતાના કૃપાશકિત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે દૈવી જીવોનો અંગીકાર કરવા માટે આપે પણ પુથ્વી પર પ્રગટ થવું પડશે.

શ્રીઠાકોરજીએ આ વાત સ્વીકારી. તેથી શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી સ્વરૂપે શ્રીકૃષ્ણ આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા. ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કળિયુગમાં આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રી ગિરિરાજ પર્વતમાંથી શ્રી શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા. માટે શ્રીનાથજી એ જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ શ્રીનાથજી છે.

આપના પ્રગટ થવાના મુખ્ય ત્રણ કારણ હતાં. ૧) ગોલોકમાંથી છૂટા પડેલા ભક્તજીવોનો અંગિકાર કરીને તેમનો ઉદ્ધાર કરવો. ૨) સારસ્વત કલ્પમાં શ્રીકૃષ્ણ સ્વરૂપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો. ૩) સારસ્વત કલ્પનો સેવાપ્રકાર ફરીથી શરૂ કરાવવો. આજે શ્રી શ્રીનાજીનું આ સ્વરૂપ નાથદ્વારામાં બિરાજે છે. આ સ્વરૂપ કોઈ માનવે કે શિલ્પકારે ઘડેલું નથી. સ્વયંસિદ્ધ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણનું સાક્ષાત્ સ્વરૂપ શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે.

એવું માનવામાં આવે છે કે ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે. કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો. તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે. કળિયુગમાં આજથી લગભગ છસ્સો વર્ષ પૂર્વે ગિરિરાજ ગોવર્ધન પર શ્રીનાથજીની ડાબી ઉર્ધ્વ ભુજા પ્રગટ થઈ. અનેક વર્ષો સુધી વ્રજવાસીઓ તેની પૂજા કરીને પોતાના મનોરથ સિદ્ધ કરતાં રહ્યા.

વર્ષ ૧૪૭૮માં વૈશાખ વદ અગિયારસના દિવસે ભક્તોને શ્રીનાથજીના મુખારવિંદનાં દર્શન થયાં. એ જ દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યનો પણ જન્મ થયો. વલ્લભાચાર્ય ઝારખંડમાં ફરી-ફરીને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને શ્રીનાથજીએ વ્રજમાં આવીને પોતાની સેવાની સમુચિત વ્યવસ્થા કરવાની પ્રેરણા આપી.

You might also like