શ્રીકાંત મુંડેએ ઈંગ્લેન્ડમાં આખી ટીમને ઓલઆઉટ કરી નવો ઈતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર શ્રીકાંત મુંડેએ ઈંગ્લેન્ડની ઘરેલુ ટૂર્નામેન્ટ લિવરપુલ કોમ્પિટિશન પ્રીમિયર લીગમાં રમતા ઈતિહાસ રચ્યો છે. બ્રિકેનહેડ પાર્ક વિરુદ્ધ તેમણે ૧૦ વિકેટ ઝડપીને એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે. વર્ષ ૧૯૯૯ બાદથી પ્રીમિયર ડિવિઝનમાં રમનાર ખેલાડી તરીકે શ્રીકાંત એવો પ્રથમ ખેલાડી છે, જેણે એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ઝડપી હોય. આ સાથે જ મૂંડેએ લીગમાં પોતાની વિકેટનો આંકડો ૫૪ સુધી પહોંચાડી દીધો છે.

વર્ષ ૧૯૨૦ બાદથી લીગમાં રમનાર ખેલાડી તરીકે શ્રીકાંત ૧૭મો ખેલાડી છે, જેણે એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ઝડપવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. વર્ષ ૧૯૪૯માં આ લીગનું સ્ટાન્ડર્ડાઇઝેશન થયું અને ત્યાર બાદથી તે પાંચમો એવાે ખેલાડી છે, જેણે એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ ઝડપી હોય. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બ્રિકેનહેડ પાર્કની આખી ટીમ ૧૬૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુંડેએ ૨૪.૧ ઓવરની બોલિંગમાં ૮૫ રન આપીને તમામ ૧૦ વિકેટ ઝડપી. મુંડેએ જે રીતે બોલિંગમાં કમાલ કરી તેવી જ રીતે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અણનમ ૪૪ રન બનાવીને મુંડેએ પોતાની ટીમને જીત અપાવી હતી.

You might also like