ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરિત્ર ગાથા

ભગવાન શ્રી સ્વામિનારાયણનું ચરિત્ર લખવું એ કપરું કામ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન સાગર જેવું વિશાળ અને આકાશ જેવું ઉન્નત છે. કવિકુલગુરુ કાલિદાસ રઘુવંશમાં કહે છે કે ‘નાનકડી નાવડીથી મહાસાગર તરી ન શકાય, ઊંચે લટકતાં ફળને ઠીંગણો આંબી ન શકે’ અથવા તો…
અથવા કૃતવાગ્દ્વારે
વંશેઅસ્મિન્ પૂર્વસૂરિભિઃ ।
મણૌ વજ્રસમુત્કીર્ણે સૂત્રસ્યેવાસ્તિ મે ગતિઃ ।। (રઘુવંશ-સર્ગ-૯, શ્લોક-૪)

‘દોરામાં શક્તિ નથી કે મણિમાં પરોવાઇ શકે, પરંતુ એ જ મણિ જો વજ્રથી વિંધાયેલ હોય તો દોરો એમાં સરળતાથી પ્રવેશી જાય છે. એ જ રીતે આ મહાન રઘુવંશનું વર્ણન પૂર્વના મહાન કવિઓએ કરેલું છે એટલે જ એ કંડારેલા માર્ગે મારાથી પ્રવેશ થઇ શકે છે.’ ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરિત્ર ગાથા લખવામાં મારી મતિની સ્થિતિ પણ આવી જ છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશે દરિયા જેવું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે, જેમાંથી કેટલુંક પ્રસિદ્ધ છે, કેટલુંક અપ્રસિદ્ધ છે. કોઇ પણ મહાપુરુષનાં જીવન દરમિયાન આટલા વિપુલ સાહિત્યનું સર્જન થવું એ વીરલ ઘટના છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના સાગર જેવા વિશાળ જીવનને ગ્રંથરૂપી ગાગરમાં ભરવું એ કપરું કામ છે. જો પૂર્વના પરમહંસોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશે સાહિત્યનું સર્જન ન કર્યું હોત તો આ ચરિત્ર ગાથા લખવી અશક્ય હતી. જોકે આ ચરિત્ર ગાથા છે એમ કહેવું એ કરતાં આ ચરિત્ર ગાથા પૂર્વ સૂરિઓએ સર્જેલ વિશાળ સાહિત્યસાગરમાંથી વીણેલાં મુક્તકોની માળા છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે.

વિશ્વમાં કેટલાય ધર્મો એવા છે કે જેઓ પરમાત્મામાં માને છે, પરંતુ પરમાત્માના અવતારોને સ્વીકારતા નથી. તેઓના મતે પરમાત્મા અવતરતા નથી, પરંતુ પરમાત્માનો પૈગામ લઇને પયગમ્બરો પૃથ્વી ઉપર અવતરે છે. કેટલાક તો પયગમ્બરોનું પુનઃ અવતરણ પણ સહી શકે તેમ નથી. સનાતન ધર્મ આવો સંકુચિત કે બંધિયાર નથી. સનાતન હિંદુ ધર્મ ગંગા નદીના પ્રવાહ જેવો અવિરત વહેતો ધર્મ છે. અહીં યુગે યુગે પરમાત્મા અને પયગમ્બરોનાં અવતરણ થતાં જ રહે છે અને ધર્મના નીરને નિર્મળ રાખે છે.

ગુલામીકાળથી માંડીને આજ સુધી સામ્યવાદી કે અંગ્રેજોના વારસાને વરેલા કેટલાક કહેવાતા બૌદ્ધિકો તો ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણનું અસ્તિત્વ પણ સ્વીકારવા તૈયાર નથી. કેટલાક બૌદ્ધિકો ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણને મહામાનવ અથવા તો યુગપ્રવર્તક તરીકે સ્વીકારે છે, પરંતુ ‘એ પરમાત્માનો અવતાર છે’ એવું સ્વીકારી શકતા નથી. આ અસ્વીકાર પાછળ અનેક તર્કો છે.•

સ્વામી માધવપ્રિયદાસજી એસજીવીપી, ગુરુકુળ, છારોડી

You might also like