શ્રી હનુમાનજી મહારાજ માહાત્મ્યમ્

હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો.જેથી આપણે હનુમાન જયંતી તરીકે ચૈત્રી પૂનમને દિવસે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપુણ. હનુમાનજી વિદૂષી બુદ્ધિ, રાજનીતિ, માનસશાસ્‍ત્, સાહિત્‍ય વગેરે સર્વ ગુણોથી સં૫ન્‍ન છે.

આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપત્તિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રીરામની સફળતાઓમાં મારુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવા છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશાં શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહે છે. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

શ્રીરામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ જયારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીનાં મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેમનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.

હનુમાનજીએ સીતાજીને અશોકવાટિકામાં આત્‍મહત્‍યાના માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુદ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશાં સાથે જ હતા.

ઇન્‍દ્રજિતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધ લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુદ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવાં કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતિ તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકું તેમ નથી. હનુમાન શંકરના ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળિયુગમાં હાજરાહજુર છે.•

You might also like