શ્રેયસ-જીવરાજપાર્ક રેલવે ઓવરબ્રિજના રંગરોગાન માટે કવોટેશન મગાવાતાં વિવાદ ઊઠ્યો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના શ્રેયસ રેલવે ઓવરબ્રિજ અને જીવરાજ પાર્ક રેલવે ઓવરબ્રિજ એમ બે રેલવે ઓવરબ્રિજનું રંગરોગાન કરવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે આ બન્ને રેલવે ઓવરબ્રિજના રંગકામ પાછળ અંદાજે કુલ રૂ.૮.પ૦ લાખ ખર્ચાશે.

આગામી ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં તંત્રના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા આ બન્ને રેલવે ઓવરબ્રિજનાં રંગરોગાનને લગતી બે દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે. પહેલી દરખાસ્ત મુજબ પશ્ચિમ ઝોનના ગજેન્દ્ર ગડકર રેલવે ‌ઓવરબ્રિજ એટલે કે શ્રેયસ રેલવે ઓવરબ્રિજને હવામાનની ખરાબ અસર થવાથી તેની બ્રિજની અંદર તરફ અને બહારના ભાગની દીવાલ ખરાબ થઇ છે.

બ્રિજની રેલિંગ તેમજ બ્રિજ પરની સેન્ટ્રલ વર્જ અને એપ્રોચ ભાગની સેન્ટ્રેલ વર્જ પર પણ હવામાનની પ્રતિકૂળ અસર થવાથી તેનાે રંગ ઊખડી ગયાે છે. આ તમામ ભાગ પર ઓઇલ પેઇન્ટ રંગ અને સેન્ટ્રલ વર્જના પીળા-કાળા રંગના પટ્ટા કરવા માટે કવોટેશન મગાવાયાં હતાં. જેમાં તંત્રના અંદાજ કરતાં ૪.૧૧ ટકા ઓછા ભાવના ગણેશ કન્સ્ટ્રકશનના રૂ.૩.૭૪ લાખનાં કવોટેશનને મંજૂરી અપાઇ છે.

આ ઉપરાંત નવા પશ્ચિમ ઝોનના શ્યામાપ્રસાદ મુખરજી રેલવે ઓવરબ્રિજ એટલે કે જીવરાજ પાર્ક રેલવે ઓવરબ્રિજ માટે બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા આવા જ પ્રકારની કામગીરી હેતુ કવોટેશન મગાવાયાં હતાં. જેમાં ગણેશ કન્સ્ટ્રકશનના જ તંત્રના અંદાજ કરતાં ૪.૧૧ ટકા ઓછા ભાવના રૂ.૪.૭૮ લાખના ક્વોટેશનને લીલીઝંડી અપાઇ છે. આ બન્ને કામને આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા મુકાયા છે.

દરમ્યાન જાણકાર સૂત્રો કહે છે, મ્યુનિસિપલ સત્તાધીશોએ શહેરના આ બન્ને જાણીતા રેલવે ઓવરબ્રિજના રંગરોગાન માટે સુવ્યવસ્થિત ટેન્ડર કે શોર્ટ ટેન્ડર બહાર પાડવાની જરૂર હતી. આના બદલે માત્ર ક્વોટેશન આધારિત ભાવ મંજૂર કરાતાં નવો વિવાદ ઉઠ્યો છે. હવે તંત્રને લાખ્ખો રૂપિયાનાં કામ પણ ક્વોટેશન મંગાવીને કરાવવામાં રસ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. દિવાળીના તહેવાર નિમિત્તે આ બન્ને બ્રિજને આકર્ષક રંગથી સોહામણા કરવાનો આશય રખાયો હોઇ તેમાં ટેન્ડરિંગ પ્રક્રિયા અપનાવી હોત તો સત્તાવાળાઓનાં ઇરાદામાં ચાર ચાંદ લાગી જાત.

You might also like