મોટી ખેડ્ય રાહ જુવે છે!

ઉદ્ધવ સંપ્રદાયને ભગવાન શ્રી સ્વામિનારાયણ જેવા કર્ણધાર મળ્યા, તેે એકબાજુ ભક્તજનોને અંતરમાં આનંદ હતો, પરંતુ બીજી બાજુ રામાનંદ સ્વામીની વિદાયથી શોકનું વાતાવરણ હજુ શાંત થયું ન હતું.
ભગવાન શ્રી સ્વામિનારાણ સોરઠમાં વિચરી રહ્યા હતા અને રામાનંદ સ્વામીનો શૂન્યાવકાશ દૂર કરી રહ્યા હતા. એકવાર એમણે મુક્તાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી તમે કચ્છ પધારો અને એ દૂર વસતા ભક્તજનોના શોકસંતપ્ત હૈયાને શાંત કરો.” એજ રીતે એમણે ભાઇ રામદાસજીને કહ્યું, “ભાઇ ! તમે ગુજરાતમાં જાઓ અને ત્યાંના ભક્તોને સાંત્વના આપો.”

‘સ્વામી રામદાસજી’ રામાનંદ સ્વામીએ સાધુઓને દીક્ષા આપી હોય એવા સંતોમાંના પ્રથમ સંત હતા. વાત એમ બની હતી કે વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરી રામાનંદ સ્વામી સોરઠ તરફ જઇ રહ્યા હતા. રસ્તામાં મહી નદીને કિનારે કાનમ દેશનું સારંગ ગામ આવ્યું. ગામની સીમમાં એક ખેડૂ સાંતી હાંકી રહ્યો હતો. એનું નામ ‘રામ’ હતું.

રામાનંદ સ્વામીએ દૂરથી એ યોગભ્રષ્ટ આત્માની મુમુક્ષુતાને પારખી લીધી. રામાનંદ સ્વામી રામની સમીપે ગયા અને બોલ્યા, “એલા રામ ! માનવદેહ ભજન કરવા માટે મળ્યો છે, સંસારની ખેડ્ય કરવા માટે નહીં !”

તેેજીને ટકોરો બસ. સદ્દગુરુ રામાનંદ સ્વામીનાં એક વેણે રામનો આત્મા જાગી ગયો. સ્વામીનાં વચનમાં રહેલા મર્મને સમજી ગયો. સાંતી હાંકવાનું પડતું મેલ્યું. મા બાપ, સગાં સંબંધી કોઇને પૂછવા પણ ન રોકાયો અને રામાનંદ સ્વામીની પાછળ ચાલી નીકળ્યો. વાત કરવી સાંભળવી સહેલી છે, પરંતુ આ રીતે સદ્ગુ્રુનાં એક જ વેણે સંસારના બંધનો તોડીને સંન્યાસનો માર્ગ લઇ લેવો એ કાંઇ સાધારણ વાત નથી ! રામાનંદ સ્વામીએ એને ભાગવતી દીક્ષા આપી; નામ પાડ્યું ‘સ્વામી રામદાસજી’. સ્વામી રામદાસજી ઉંમરમાં સર્વથી મોટા હોવાથી બધા એમને ‘ભાઇ રામદાસજી’ કહીને બોલાવતા.

સદ્દગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી ભાઇ રામદાસજીમાં સાધુતા સોળે કળાએ ખીલી હતી. દૂધમાં સાકર ભળે એમ એમણે પોતાનું અસ્તિત્વ સદ્દગુરુ રામાનંદ સ્વામીમાં ઓગાળી નાખ્યું હતું. એમનું હૃદય માતાની સમાન વાત્સલ્યપૂર્ણ હતું. તેઓ ભારે હેતથી સંતો હરિભક્તોને સાચવતા અને તેમની મુમુક્ષુતાનું પોષણ કરતા.

રામાનંદ સ્વામી અંતર્ધાન થયા બાદ એમણે પોતાનું જીવન ભગવાન શ્રી સ્વામિનારાયણને શરણે સમર્પિત કર્યું હતું અને જેવી રામાનંદ સ્વામીમાં નિષ્ઠા હતી, તેથી સવાઇ નિષ્ઠા એમણે સહજાનંદસ્વામીમાં રાખી હતી.

ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ ભાઇ રામદાસજીને વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ જાણીને કાયમ એમની આમન્યા જાળવતા. પાછલી ઉંમરમાં ભાઇ રામદાસજી મોટા ભાગે ગઢપુરમાં રહેતા અને સંતોને ધ્યાન ભજનની રીત શીખવતા.

વૃદ્ધાવસ્થાને લીધે તેમનું શરીર ક્ષીણ થયું હતું. એમણે સ્વધામ જવાનો સંકલ્પ કરી લીધો હતો. શરીર છોડવાને આગલે દિવસે એમણે સર્વ સંતોને એકઠા કર્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણ કારિયાણી બિરાજતા હતા, ત્યાંથી તેડાવી લીધા.

પોતે જાતે પુષ્પોની માળા ગૂંથી; ચંદન ઘસીને તૈયાર કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન કર્યું અને બોલ્યા, “પરમહંસો ! આ મહારાજને સાધારણ જાણશો મા. આ તો સર્વોપરી, સર્વ કારણના કારણ, સર્વાવતારી ભગવાન છે. આવતી કાલે એમની હાજરીમાં હું શરીર છોડીશ”

વળતા દિવસે મધ્યાહ્ન સમયે ભાઇ રામદાસજીએ ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં સ્વતંત્ર થકા શરીર છોડ્યું. ગઢપુરથી પૂર્વ બાજુ ઘેલા નદીને કિનારે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે એમનો અગ્નિસંસ્કાર કર્યો.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી એસ.જી.વી.પી ગુરુકુળ,છારોડી

You might also like