ઉન્મત્ત ગંગાને કિનારે

ભગવાન શ્રી સ્વામિનારાયણ કરિયાણાથી નીકળીને કાઠિયાવાડની ધરતીને પાવન કરતાં કરતાં ગઢપુરના પાદરમાં વહેતી ઉન્મત્ત ગંગાને કિનારે પધાર્યા. કોણ જાણે કેમ! આ ભૂમિ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિલને આકર્ષી રહી હતી. પ્રાચીન કાળથી આ ગઢપુરની ભૂમિ ભારે ભાગ્યવંતી રહી છે. સેંકડો વર્ષ પહેલાં માંડવ્ય ઋષિએ આ પ્રદેશની ભૂમિને પોતાની સાધના ભૂમિ બનાવી હતી. આ ઉન્મત્ત ગંગાને કિનારે માંડવ્ય ઋષિનો આશ્રમ હતો. ગઢપુર પાસેના માંડવરધારના ડુંગરાઓ એની સાક્ષી પૂરે છે. માંડવધારથી પશ્ચિમ દિશામાં ફૂલઝર નામે વન હતું. અહીં માંડવ્ય ઋષિએ આકરું તપ કર્યું હતું. આજે આ સ્થળે ફૂલઝર ગામ વસેલું છે.
તપની સમાપ્તિના પ્રસંગે માંડવ્ય ઋષિએ ગંગાજળથી સ્નાન કરવાની ઇચ્છા થઈ. એમણે મનોમન ગંગાજીને યાદ કર્યા, પણ ગંગાજી પ્રગટ ન થયા.
માંડવ્ય ઋષિએ ભગવાન વામનજીને યાદ કરી ‘ૐ ત્રિવિક્રમાય નમઃ’ આ વામનમંત્રનો જપ શરૂ કર્યો. જપથી પ્રસન્ન થયેલા ભગવાન વામનજીના પ્રપાતથી ગંગાજી પાતાળમાંથી ગાંડા જળપ્રવાહ રૂપે પ્રગટ થયાં.
ગાંડા ધસમસતા પ્રવાહ રૂપે પ્રગટેલાં હોવાથી ગંગાજી ‘ઉન્મત્ત ગંગા’ કહેવાયાં. લોકો એને ‘ઘેલા નદી’ના નામે પણ ઓળખે છે.
ઉન્મત્ત ગંગાના ઉદ્ગમ સ્થળે માંડવ્ય ઋષિએ ઘેલા સોમનાથ પધરાવેલા છે, જે આજે પણ સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થ ગણાય છે. ઘેલા નદીને કિનારે માંડવ્ય ઋષિ જે ભોંયરામાં બેસીને ધ્યાન ભજન કરતા, તે ભોંયરાના ડુંગરા ઉપર આજે ‘માંડવધાર’ ગામ વસેલું છે.
લોકવાયકા પ્રમાણે આ ભોંયરું છેક ગિરનાર સુધી લંબાયેલું છે. જોકે, મોટા ભાગના ભોંયરાંઓ સાથે અહીં વાતો જોડાયેલી છે કોઈ સાહસિકે આ વાતનો તાગ લીધો હોય એવું સંભળાતું નથી!
હજારો વર્ષ પહલાં અહીં પાંડેસરા તળાવ હતું. મહાભારતનો સુપ્રસિદ્ધ યક્ષ યુધિષ્ઠિર સંવાદ આ જ રમણીય સરોવરને કિનારે થયો હતો. આ જગ્યાએ આજે ગઢપુર ગામ વસેલું છે. માંડવ્ય ઋષિ પાંડેસરા તળાવને કિનારે જે સ્થળે બેસીને સંધ્યા વંદન કરતા, તે સ્થળે આજે દાદા ખાચરનો દરબાર ગઢ આવેલો છે. પાંડવોના સમયમાં આ સમગ્ર પ્રદેશ પાંચાલ પ્રદેશ તરીકે ઓળખાતો. સતી દ્રૌપદી આ પાંચાલ પ્રદેશનાં હતાં એટલે પાંચાલી કહેવાતા. આ પાંચાલ પ્રદેશ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોની રમણ ભૂમિ કહેવાય છે.•

You might also like