આવકનો ૧૦મો ભાગ દાન કરો

‘યજ્ઞથી સત્કાર્યથી સંતુષ્ટ થયેલા દેવો તમને તમારા ઈષ્ટ ભોગો આપશે અને તેમણે આપેલા એ ઈષ્ટ ભાેગો તેમની સંભાવના કર્યા વગર (તેમાંનો ભાગ તેમને ચરણે ધર્યા વગર) જે એકલો જ ભોગવે છે તે ચોર છે.’
મનુષ્ય જીવનનાં પ્રત્યેક કાર્યમાં પ્રભુનો હાથ અને સાથ છે. ઈશ શક્તિથી જ મનુષ્ય બોલે છે, ચાલે છે, સૂએ છે, ઊઠે છે, ખાય છે, તેમજ ખાધેલું પચાવી શકે છે. આપણા પ્રત્યેક કાર્યમાં આ રીતે ઓતપ્રોત થઈને રહેલો ઈશ્વર એ આપણો સાચો સગો, પડોશી કે ભાગીદાર છે.
કર્મોમાં જોડે ઊભા રહેનારને ફળમાં પણ અધિકાર હોય છે એ સામાન્ય લોકવ્યવહાર છે. એ રીતે જોતાં આપણને થતી વિવિધ પ્રકારની પ્રાપ્તિઓમાં ઈશ્વરનો પણ ભાગ છે. આ ઈશ્વરનો ભાગ ઈશ્વરને ચરણે ધરવાનું વિસારી દઈને જે બાહ્યભક્તિનો મિથ્યાચાર કરે છે તે દાંભિક મનુષ્ય ભગવાનને ગમતો નથી.
પ્રભુનો ભાગ હજમ કરી જનાર મનુષ્ય પોતાનાં વિત્તથી પકવાન રાંધીને જમતો હોય તો પણ તે પાપ જમે છે. આવા મનુષ્યને ત્યાં ભોજન કરવાનો નિષેધ છે.
રાત-દિવસ ભગવતોપેક્ષિત વિચાર પ્રણાલીથી જીવન જીવતો દુર્યોધન ભગવાન શ્રીકૃષ્ણને સદૈવ અસ્વીકાર્ય રહ્યો. દુર્યોધનના જમવાના આમંત્રણને ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું.
ભગવાનને કહ્યું ઃ ‘માણસ, પ્રેમ હોય તો કોઈને ત્યાં જમે અને કાં તો અગવડમાં હોય તો જમે. તારો મારા પ્રેમ નથી અને હું અગવડમાં આવ્યો નથી તેથી મને તારા ઘરે જમવાનું કંઈ કારણ નથી.’ ‘મારો તમારા પર પ્રેમ નથી એવું તમે શા પરથી કહો છો?’ દુર્યોધનના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યુંઃ
‘સાંસ્કૃતિક ભગવત્ કાર્યમાં મારા સાધન યંત્ર બને પાંડવોનો તું દ્વેષ કરે છે. પાંડવો મારા પ્રાણ છે. તેથી પાંડવોનો દ્વેષ કરનાર શ્રીકૃષ્ણનો દ્વેષી જ છે.’
ભગવાનનો, ભગવત્ કાર્યનો કે પ્રભુ કાર્યકરોનો દ્વેષ કરનાર માનવ પ્રભુના કષ્ટનુંં કારણ બને છે. ભગવાનને માનસિક ત્રાસ આપનાર મનુષ્ય એક રીતે જોતાં ભગવાનનું લોહી જ પીએ છે.
શાસ્ત્રોના આદેશ મુજબ દરેક વ્યક્તિએ પોતાની આવકનો દશમો ભાગ ધર્માદામાં વાપરવો જોઇએ.આમ ન કરવાથી જે તે વ્યક્તિ પાપની અધિકારી બને છે. ભારતીય અર્થ વ્યવસ્થા અતિશય સુંદર હતી. તેમાં સંપત્તિના સંગ્રહને ઝાઝું સ્થાન નહોતું. કમાવેલી સંપત્તિમાંથી રાજાનો કર (ટેક્સ) આપ્યા પછી રહેલી સંપત્તિમાંથી યોગ્ય એવો પ્રભુનો ભાગ કાઢવાની શાસ્ત્રોએ આજ્ઞા આપી.
લોકો સ્વેચ્છાએ ભાગ કાઢતાં અને એ રીતે ધર્મપાલનનો સંતોષ પણ અનુભવતા. ‘નહીં મેળવેલું મેળવવાની ઈચ્છા રાખવી જોઈએ, મેળવેલું ક્ષય ન પામે તે રીતે રક્ષવું જોઈએ. રક્ષેલું જોઈએ. રક્ષેલું વધારવું જોઈએ અને વધેલું તીર્થમાં નાખી દેવું જોઈએ. તીર્થમાં એટલે પવિત્ર કાર્યમાં! અને પ્રભુ કાર્ય જેવું પવિત્ર કાર્ય બીજું કયું હોઈ?
માનવની સંપત્તિનો પ્રવાહ પ્રભુ કાર્યમાં વહેલો જોઈએ. પ્રભુ કાર્યમાં સંપત્તિ ખર્ચવાથી રહેલી સંપત્તિ પ્રસાદી બને છે અને એ ન્યાય માનવી હંમેશાં પ્રસન્ન રહે છે.
પ્રસાદીનું પાવિત્ર્ય જો સંપત્તિમાં નિર્માણ ન થાય તો તે સંપત્તિ કેવળ ભોગનું સાધન બની રહે અને એ ન્યાય માનવ પ્રસન્ન ન બનતાં રોગી બને.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like