શ્રીકૃષ્ણને પ્રિય વસ્તુઓનું અનુપમ માહાત્મ્ય

તમે શ્રીજીના શણગાર દર્શન ધ્યાનથી કર્યા છે? મસ્તક પર મોરપીંછ-ચંદ્રિકા સહિતનો મુકુટ, નાકમાં સાચા મોતી, કાનમાં કર્ણફૂલ, વાંસળી, અલંકાર આભૂષણ, બાળકૃષ્ણની સામે એક મુખિયો દર્પણ લઈને ઊભો રહે. મોરપીંછ અને વાંસળી વગર બધાય શણગાર અધૂરા.
કૃષ્ણના મસ્તકે મોરપીંછ છે. મોરપીંછ સહજ છે. ગોકુળની ગલીઓમાં ફરતા કૃષ્ણના પગની ધૂળમાંથી તે મળી આવ્યું. તે સહજ છે. માટે મસ્તકે ધારણ કરાય છે. તે કૃષ્ણના મસ્તકની શોભા બની રહ્યું. મસ્તકે ધારણ કરીને કૃષ્ણે મોરપીંછને એક ગરિમા આપી દીધી. ગૌરવ પ્રદાન કર્યું. સહજતાનો સ્વીકાર કૃષ્ણ કરે છે. આટલી જ સાહજિકતાથી કૃષ્ણે કુબજાનો સ્વીકાર કરેલો.
આંખ એ મકાનમાં મૂકેલી બારી છે. પણ આ બારી આજકાલ અંદરથી બહાર જોવાને લઈને બહારથી અંદર જોવાની વસ્તુ બની ગઈ છે. આ આંખ ક્યારે સાર્થક થાય? આંખ જો સતત કૃષ્ણને શોધ્યા કરતી હોય ત્યારે સુરદાસ કહેતા. આંખને, ‘એવી ટેવ પડી ગઈ છે જે સાક્ષાત કૃષ્ણને નીરખ્યા કરે છે’ આ સૃષ્ટિ સદૈવ છે પણ મારા માટે મારી આંખ છે ત્યાં સુધી જ સૃષ્ટિનું અસ્તિત્ત્વ છે. વિખ્યાત તત્વચિંતક આલ્ફ્રેડ શોપનહેર કહેતા, ‘મારા માટે સૂર્યનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હું જોઈ શકું’ મારે આંખ મીંચાય એ પહેલાં કૃષ્ણને નિરખી લેવાના છે. કૃષ્ણે કાનમાં કર્ણ ફૂલ ધારણ કર્યાં છે. આ કાનને ખાસ સાચવવા જેવા છે. ન જાણવા જેવી વાત બહુ ઝડપથી તેમાં પેસી જતી હોય છે. કર્ણફૂલ કાનને ખરીદે છે. એટલે ન જા‍ણવા જેવી બાબત તેમાં જતી નથી. કાનને સારી વાતોથી ભરવાના છે. કૃષ્ણના ગળામાં માળા છે. તેમાં ફૂલો પરોવાયેલા છે. એક તાંતણે બંધાય છે. આ નરી દેખાતી નથી. આપણી દોર કોઈના હાથમાં છે. તેનો ઝટ ખ્યાલ નથી આવતો. જો તે પૂરું સભાનતાથી સમજમાં આવી જાય તો. મનુષ્ય ખરાબ કર્મ કરતો અટકી જાય. કૃષ્ણે નાકમાં સાચા મોતી ધારણ કર્યા છે. ઘણાં બધાં આભૂષણો હતાં પરંતુ કૃષ્ણ મોતીને પસંદ કરે છે અને તે પણ સાચાં કારણ કે સાચા મોતી ખૂબ તાવવાથી મળે છે. ભારે પરિશ્રમ કરવો પડે છે. મરજીવા બનવું પડે છે અને કૃષ્ણ પણ તાવવાથી મળે છે. કૃષ્ણ બહુ મુશ્કેલીએ મળે છે પણ એકવાર આપણો હાથ પકડી લે પછી કદી છોડે નહીં. કૃષ્ણ ન હોય અને દુનિયા આખી આપણી સાથે હોય તો તેનો કોઈ અર્થ નથી. કૃષ્ણના હાથના કમળનું ફૂલ છે. કમળ કોમળતાનું પ્રતીક છે. કમળ કાદવમાં ખીલેલું છે. એ સુગંધધમય અને રૂપમય છે. પુષ્ટિમાર્ગમાં કમળા પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. વાંસળી કૃષ્ણના મોંએ કેમ લાગી? કારણ કે વાંસના આ ટુકડામાં પોલાણમાં છે. ખાલીપણું છે. જ્યાં ખાલી છે ત્યાં ભરી શકાય છે અને ભરેલામાં માત્ર છલકાય છે ત્યાં કશું ઊભેરાતું નથી. વાંસળી આપમેળે લાગે છે. તેનો ખાસ પ્રયાસ કરવો પડતો નથી. એ ખોટી વાત છે સવાર પડે છે અને શ્રીકૃષ્ણની વાંસળી વાગે છે. સાચી વાત એ છે કે શ્રીકૃષ્ણની વાંસળી વાગે છે અને એટલે સવાર પડે છે. મહાભારતમાં યુદ્ધમાં કૃષ્ણ નિઃશસ્ત્ર રહ્યા. સુદર્શનનો ઉપયોગ ન કર્યો કારણ કે એમની પાસે હૈયું વિંધાય એવી વાંસળી નથી. અહંકાર ઓગળે એટલે પ્રભુ મળતાં વાર ન થાય.•

You might also like