અધર્મીથી ધર્મ પણ ત્રાસે છે

ધર્મ અને અધર્મ એક સિક્કાની બે બાજુ છે. ધર્મની પક્ષે રહેનાર શરૂઆતના તબક્કામાં સહેજ દુઃખી થાય છે. તે પછી તેને અપરંપાર સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે અધર્મીને તો જીવે ત્યાં સુધી સુખ જ સુખ પ્રાપ્ત થાય છે પરંતું તેનો અંતકાળ ભયંકર રીતે બગડે છે. આ સ્થિતિ જોઈ ઘણી વખત આપણને મનોમન પ્રશ્ન થાય છે કે ધર્મીને ઘેર ધાડ તો પછી શું કામ ધરમ આચરવો? શું કામ દુનિયાનાં ઠેબાં ખાવાં? શું કામ અધર્મ આચરીને સુખી ન થવું?
આ બધા જ પ્રશ્નના જવાબમાં મારે એટલું જ કહેવાનું કે, “મહાભારતના યુદ્ધમાં કૌરવ, પાંડવ બંને પક્ષને સૈન્યની જરૂર પડી. આથી અર્જુન તથા દુર્યોધન બંને શ્રીકૃષ્ણની મદદ યાચવા ચાલ્યા. અર્જુનજી પ્રથમ ભગવાન પાસે પહોંચ્યા. તેમણે જોયું કે શ્રીકૃષ્ણ આરામમાં સૂતા છે. આથી તે તેમનાં ચરણકમળ પાસે બેસી તેમના નેત્ર ખૂલવાની રાહ જુએ છે. તે પછી થોડીવારે દુર્યોધન આવ્યા. તેમણે પણ શ્રીકૃષ્ણને સૂતેલા જોયા. અર્જુનને બેઠેલા જોયા પગ પાસે. આથી તે ભગવાનના માથા પાસે બેઠા.
ભગવાન થોડી વારે જાગ્યા. તેમણે પગ પાસે બેઠેલા અર્જુનને જોયા. અર્જુનને પૂછ્યું કે, “હે શ્રેષ્ઠ ધનુર્ધર, કહો કેમ આવ્યા છો?” અર્જુન કાંઈ બોલે તે પહેલાં દુર્યોધને પ્રણામ કરી કહ્યું કે, “હે શ્રેષ્ઠ યદુનંદન, મારે આ ભીષણ સંગ્રામમાં આપની અઢાર અક્ષોહિણી સેના જોઈએ છે.” ભગવાને નિર્વિકારભાવે તેમને તેમની સેના આપી દીધી.
હવે અર્જુનનો વારો આવ્યો. સેના તો હતી નહીં. તેમને સેના જોઈતી પણ ન હતી. આથી અર્જુનજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, “હે શ્રેષ્ઠ દેવકીનંદન, આ ભીષણ યુદ્ધમાં મારા પક્ષે રહી આપ અમારી સાથે રહો. હવે શ્રીકૃષ્ણ એટલે ધર્મ. સેના એટલે અધર્મ. જ્યાં ધર્મ હોય ત્યાં વિજય થાય. જ્યાં અધર્મ હોય ત્યાં પરાજય થાય.”
મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. તેમાં કૌરવ પક્ષે કૌરવોની સેના, અઢાર સેનાપતિ તથા ભગવાન શ્રીકૃષ્ણની અઢાર અક્ષોહિણી સેના હોવા છતાં કૌરવોનો ઘોર પરાજય થયો. ૯૯ કૌરવ મરી ગયા. જેમાં એક કૌરવ બચી ગયો. કારણ તે ધર્મને પક્ષે હતો. જ્યારે અર્જુનને પક્ષે પાંડવ સેના, પાંડવ પુત્રો પૌત્રો તથા ભગવાન શ્રીકૃષ્ણ હોવાથી તમામ બચી ગયા. કારણે ધર્મ સદા સર્વદા વિજયી થાય છે.
જુઓ,વાંચો મહાભારત કથા. કૌરવ સેના કેવી ભયંકર રીતે મૃત્યુને વરી? અધર્મને પક્ષે રહી લડવાથી ભગવાન સૂર્યદેવના પુત્ર કર્ણનો પણ અંતે વધ થયો. કારણ અધર્મથી ધર્મ પણ ત્રાસે છે. સૂર્ય પુત્ર કર્ણે અધર્મથી ભગવાન પરશુરામ પાસેથી વિદ્યા ગ્રહણ કરી. તેમને ખબર પડતાં કર્ણને શ્રાપ આપ્યો તેથી ખૂબ સમય હોવા છતાં કર્ણ અર્જુનના તાતાં તીર સામે િનષ્ફળ ગયો. અંતે તેનો વધ થયો.
એકલવ્ય પાસે અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બને તે હેતુથી દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માગી લીધો. અંતે દ્રોણાચાર્યનો પણ વધ થયો. દ્રોણપુત્ર અશ્વત્થામાના મસ્તકનો મણિ પણ અર્જુને તીર વડે કાઢી લીધો. આમ અધર્મીથી ધર્મ પણ ત્રાસે છે.
બોધ ઃ અધર્મનો સાથ કદી લેશો નહીં. અંતે રડવું પડશે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like