ઇશરત તોઇબાની આત્મઘાતી બોમ્બર હતી : હેડલી

મુંબઇ : છેલ્લા ત્રણ દિવસથી અમેરિકાની જેલમાંથી વિડિયો કોન્ફરન્સ દ્વારા મુંબઇથી વિશેષ કોર્ટને ગવાહી આપી રહેલા ૨૬/૧૧ના આરોપી ડેવિડ હેડલીએ આજે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ગુજરાત પોલીસના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઇશરત જહાં લશ્કર-એ-તોઇબાની આત્મઘાતી હુમલાખોર હતી. એટલું જ નહીં તે મહિલા આતંકીઓની ભરતી કરતી હતી. હેડલીએ એમ પણ કહ્યું હતું કે લખવી એ ઇશરતનાં મોત અંગે તેને જણાવ્યું હતું.

ઇશરત જહાં અમદાવાદમાં ૨૦૦૪માં એક એન્કાઉન્ટરમાં તેના ત્રણ સાથીઓ સાથે ઠાર મરાઇ હતી. જોકે આ એન્કાઉન્ટર નકલી હોવાના આક્ષેપ થતાં હોબાળો થયો હતો અને તેના આરોપસર ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓને જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો હતો. ગુજરાત પોલીસનો દાવો હતો કે ઇશરત જહાં રાજયના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી તેમજ ભાજપના નેતા અડવાણી તેમજ વીએચપીના નેતા પ્રવિણ તોગડીયાની હત્યા કરવાના ઇરાદા સાથે ગુજરાત આવી હતી.

આ બધુ ગુજરાતના રમખાણો અને બાબરી મસ્જિદનો બદલો લેવા માટે કરવાની યોજના હતી. હેડલીએ જણાવ્યું કે, ખફા લશ્કરનો બીજા નંબરનો ઇન્ચાર્જ છે. તેની મુલાકાત ખફા સાથે પાકિસ્તાનમાં એક મિટિંગ દરમિયાન થઇ હતી. આ મિટિંગ લાહોર નજીક થઇ હતી. આ બેઠકમાં હાફિઝ સઇદની સાથે લખવી પણ સામેલ હતો. હેડલીએ જણાવ્યું હતું કે મુંબઈ હુમલાને અંજામ આપવા માટે હેડલીએ મુંબઈના તારદેવ વિસ્તારમાં એક ઓફિસ પણ ખોલી હતી.

મુંબઈના ટાર્ગેટની રેકી કરવા અને સ્વયંને બચાવવા માટે મેં એસી માર્કેટમાં ભાડા પર ઓફિસ લીધી હતી કે જેથી કોઈને શંકા જાય નહીં એવું હેડલીએ જણાવ્યું હતું. ૧ નવેમ્બર, ૨૦૦૬ના રોજ મેં મુંબઈમાં ઓફિસ માટે એગ્રીમેન્ટ કર્યો હતો. આ ઓફિસના માલિક મિ. બોરા હતા. ત્યાર બાદ ૧૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ લાઈસન્સ લંબાવવા માટે અરજી કરી હતી. આ અરજી મંજૂર રાખવામાં આવી હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખાતું ખોલાવવા માટે મંજૂરી નહીં આપતાં મારે મુંબઈ હુમલા બાદ જાન્યુઆરી૨૦૦૯માં ઓફિસ બંધ કરી દેવી પડી હતી.

એટલું જ નહીં મેજર ઈકબાલ અને સાજિદ મીરથી લઈને અબ્દુર રહેમાન પાસા સુધીના લોકોએ આ માટે તેને ફન્ડિંગ કર્યું હતું.હેડલીએ એવું પણ જણાવ્યું છે કે મારા રોકાણ દરમિયાન તહવ્વુર રાણાએ અનેક વખત પૈસા મોકલ્યા હતા. એ દરમિયાન થયેલા ટ્રાન્ઝેકશનની રસીદ પણ મળી હતી, જેમાં હેડલીની સહી છે. હેડલીએ જણાવ્યું હતું કે ૧૧ ઓકટોબર, ૨૦૦૬થી ૪ ડિસેમ્બર, ૨૦૦૬ દરમિયાન મને બે હપ્તામાં અંદાજે રૂપિયા બે લાખ મોકલવામાં આવ્યા હતા.

મને અબ્દુર રહેમાન પાસા તરફથી રૂપિયા ૧૮,૦૦૦ મળ્યા હતા.ભારત આવતા પહેલાં મને મેજર ઈકબાલે ૨૫,૦૦૦ યુએસ ડોલર અને સાજિદ મીરે ૪૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયા આપ્યા હતા. હેડલીએ એવું પણ જણાવ્યું હતું કે તહવ્વુર રાણાએ ૩૦ નવેમ્બરના રોજ મને રૂ. ૧૭,૬૩૬ અને ૪ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ ૧,૦૦૦ યુએસ ડોલર આપ્યા હતા. ૭ નવેમ્બરના રોજ તહવ્વુર રાણાએ ૫૦૦ યુએસ ડોલર આપ્યા હતા.

જયારે હું ૧૧ ઓકટોબર, ૨૦૦૬ના રોજ મુંબઈમાં હતો ત્યારે તહવ્વુર રાણાએ રૂ. ૬૬,૬૦૫ આપ્યા હતા. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે રજૂઆત દરમિયાન હેડલીએ કોર્ટને જણાવ્યું હતું કે તહવ્વુર રાણાને મેં જપાકિસ્તાન પરત જવા જણાવ્યું હતું કે જેથી તે ખુદ સુરક્ષિત રહે. આ કેસની સુનાવણી દરમિયાન આતંકી અબુ ઝુંડાલના વકીલ વહાબખાને હેડલીને વધુ પડતું મહત્ત્વ સામે વાંધો ઉઠાવ્યો હતો. વહાબ ખાને જણાવ્યું હતું કે કોઈ પણ સવાલનો જવાબ આપતા પહેલા હેડલી અમેરિકન કોર્ટની સુનાવણીને ટાંકે છે જે યોગ્ય નથી. તેમણે સુનાવણી દરમિયાન હેડલીની સ્ટાર બકસ કોફી પીવા સામે પણ વિરોધ કર્યો હતો.

હેડલીએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, લખવીએ તેને તોઇબાના અન્ય એક ત્રાસવાદી મુજમ્મિલ ભટ્ટના ભારતમાં એવા નિષ્ફળ ઓપરેશન અંગે પણ માહિતી આપી હતી જેમાં ત્રાસવાદી સંગઠનની એક મહિલા સભ્યનું મોત થયું હતું. આ અભિયાન અને તેમા સામેલ સભ્યોના સંદર્ભમાં વિસ્તારપૂર્વક માહિતી આપવા માટે ઉજ્જવલ નિકમે ભારપૂર્વક પ્રશ્નો કરતા હેડલીએ કહ્યું હતું કે, મને કહેવામાં આવ્યું હતું કે, પોલીસ સાથે અથડામણ થઇ હતી જેમાં એક મહિલા આત્મઘાતી બોંબર ઠાર થઇ હતી. ત્યારબાદ ત્રણ નામ પૈકી હેડલીએ ઇશરતના નામનો ઉલ્લેખ કર્યો હતો.

લશ્કર-એ-તોઇબામાં એક મહિલા શાખા પણ છે અને કોઇ અબુ એમનની માતા તેમા અધ્યક્ષ તરીકે છે. લશ્કરે તોયબાની સાથે જેડાયેલા રહેલા અને મુંબઇ હુમલામાં ભૂમિકા અદા કરનાર ખતરનાક ત્રાસવાદી ડેવિડ હેડલીની જુબાનીની પ્રક્રિયા ૮મીએ સવારે શરૂ થઇ હતી. તેને વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેની જુબાની ખુબ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. પ્રથમ કોઇ મામલામાં વિદેશથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આરોપીની જુબાની લેવામાં આવી રહી છે.

ડેવિડ હેડલી મુંબઇ હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તરફથી સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમ રજૂઆત કરી રહ્યા છે. ત્રાસવાદી હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં હેડલીની ભૂમિકા હતી. પાકિસ્તાની અમેરકિન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ આખરે ૨૬-૧૧ મુંબઈ હુમલામાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી લીધી હતી.  હાલમાં  અમેરિકન કોર્ટ સમક્ષ હેડલીએ જુબાની આપી હતી જેમાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી હતી.

હેડલીએ એમ કહીને પાકિસ્તાન સરકારની મુશ્કેલી વધારી દીધી છે કે, મુંબઈ હુમલાને પાકિસ્તાન સરકારની મદદથી અંજામ આપવામાં આવ્યો હતો. મુંબઈ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાની વાત કરતા હેડલીએ એમ પણ કહ્યું હતું કે, ૨૦૦૮માં ભારતમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં પાકિસ્તાન સરકારની પણ સીધી ભૂમિકા હતી.

વિડિયો કોન્ફરન્સિંગ પ્રક્રિયા શરૂ થયા બાદ થોડાક દિવસ સુધી જારી રહે તેવી શક્યતા છે. હેડલી ઉપર મૂળભૂતરીતે ભારત સામે આતંકવાદી ગતિવિધિઓ તૈયાર કરવા અને તેને અંજામ આપવા માટે ૧૧ મામલામાં આરોપો ઘડવામાં આવ્યા હતા.

You might also like