હું ખુશનસીબ છું: શ્રદ્ધા

અભિનેતા શક્તિ કપૂર અને શિવાંગી કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે બોસ્ટન યુનિવર્સિટીમાં એડમિશન લીધું ત્યારે તેને ‘તીન પત્તી’ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. શ્રદ્ધાએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. ત્યાર બાદ તેણે યશરાજની ફિલ્મ ‘લવ કા ધ એન્ડ’માં કામ કર્યું, જોકે તે ફિલ્મ પણ કંઇ ખાસ ન ચાલી. ત્યાર બાદ ‘આશિકી-2’એ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ત્યાર પછી તો તેની દરેક ફિલ્મ સુપરહિટ રહી. હવે તે જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફ સાથે ‘બાગી’ ફિલ્મમાં આવી રહી છે, તે પહેલી વાર ‘હીરોપંતી’ ફેમ ટાઇગર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ઉપરાંત તેની ‘રોક ઓન-2’ ફિલ્મ પણ આવી રહી છે, તેમાં ફરહાન અખ્તર ઉપરાંત અર્જુન રામપાલ પણ છે. સંગીત પર આધારિત ફિલ્મમાં શ્રદ્ધા એક મ્યુઝિશિયનનું પાત્ર ભજવી રહી છે.

શ્રદ્ધા ‘આશિકી-2’ ફેમ આદિત્ય રોય કપૂર સાથે પણ ડિરેક્ટર શાદ અલીની ફિલ્મ કરી રહી છે. શાદ અલી મણિરત્નમની તામિલ સુપરહિટ ફિલ્મ ‘કાઢલ કંમણિ’ની રિમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મની કહાણી એક યુવા કપલની આસપાસ ફરે છે. તેઓ મુંબઇમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય છે. ‘રોક ઓન-2’માં ફરી એક વાર શ્રદ્ધાનો અવાજ સાંભળવા પણ મળશે. શ્રદ્ધા કહે છે, આ અનુભવ ખૂબ જ મસ્ત છે. બાળપણનાં સપનાં જીવવા મળે ત્યારે ખૂબ સારું લાગે છે, પરંતુ તે ખૂબ થકવી પણ નાખે છે, જોકે હું મારી જાતને ખુશનસીબ સમજું છું, કેમ કે મને એક્ટિંગની સાથે સિં‌ગિંગ કરવા પણ મળે છે. ‘રોક ઓન-2’નાં બધાં ગીતો શ્રદ્ધા ગાતી જોવા મળશે. વળી, ફરહાન જેવા ટેલેન્ટેડ સ્ટાર સાથે કામ કરીને મને મજા આવે છે.

You might also like