આઠ વર્ષ પહેલાં પરિવાર સાથે ‘રોક ઓન’ જોઈ હતીઃ શ્રદ્ધા કપૂર

આશિકી-ર અને ‘એબીસીડી-ર’ બાદ શ્રદ્ધા કપૂર ‘રોક ઓન’ની સિક્વલ ‘રોક ઓન-ર’માં કામ કરવાને લઇને ઉત્સાહિત છે. ‘આશિકી-ર’માં સિંગરની ભૂમિકા ભજવ્યા બાદ તે ફરી એક વાર આ ફિલ્મમાં સિંગરની ભૂમિકામાં છે. ‘રોક ઓન’ સફળ ફિલ્મ રહી હતી. આ ફિલ્મની સિક્વલમાં કામ કરવાને લઇને શ્રદ્ધા કપૂર ખૂબ ઉત્સાહિત છે. તે કહે છે કે હું ‘રોક ઓન’ ફિલ્મની મોટી પ્રશંસક હતી. મને તે ફિલ્મનાં ગીતો પણ એટલાં જ પસંદ પડ્યાં હતાં. આઠ વર્ષ પહેલાં પરિવાર સાથે મેં ‘રોક ઓન’ ફિલ્મ જોઇ હતી અને મને તે ખૂબ જ પસંદ પડી હતી. મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે જો આ ફિલ્મની સિક્વલ બનશે તો હું તેમાં જરૂર કામ કરીશ.

ફિલ્મમાં શ્રદ્ધા કપૂર જિયા શર્માનું પાત્ર ભજવી રહી છે. સિક્વલ ફિલ્મોમાં કામ કરવાના પડકાર વિશે જણાવતાં શ્રદ્ધા કહે છે કે તમે એક એવી ફિલ્મમાં કામ કરી રહ્યા છો, જેની હિટ ફિલ્મને દર્શકો એટલી પસંદ કરી ચૂક્યા હોય છે. તેથી આગામી ફિલ્મમાં તેમની આશાઓ વધી જાય છે. તેમની આશા પર ખરા ઊતરવા અમારે ખૂબ મહેનત કરવી પડે છે. આ બધું ખરેખર ખૂબ પડકારજનક છે. શ્રદ્ધા કપૂર નાની હતી ત્યારે તે પિયાનો વગાડતી હતી, પછી તેણે કોઇક કારણસર તે છોડી દીધું, પરંતુ ત્યારબાદ તેને ફરી એક વાર આ ફિલ્મમાં પિયાનો વગાડવાનો મોકો મળ્યો. •

You might also like