નકારાત્મક પાત્ર ભજવવા ઈચ્છે છે: શ્રદ્ધા કપૂર

ડાન્સ, રોમાન્સ અને અન્ય ઝોનરની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની દિલથી ઇચ્છા છે કે તે કોઇક ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવે. તે ખુદને ડાર્ક કેરેક્ટર તરફ લઇ જવા ઇચ્છે છે. તે કહે છે કે મને ડાર્ક રોલનું આકર્ષણ છે. શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર તેમના જમાનાના જાણીતા ખલનાયક રહી ચૂક્યા છે. તેથી શ્રદ્ધા કપૂર પણ આવાં પાત્રો પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે. શ્રદ્ધા હાલમાં મોહિત સુરીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં અર્જુન કપૂર સાથે કામ કરે છે. ફિલ્મના નિર્દેશક મોહિત સુરી સાથે શ્રદ્ધાની ત્રીજી ફિલ્મ છે. તે પહેલી વાર અર્જુન કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

શ્રદ્ધા ‘હાફ ગર્લફ્રેન્ડ’ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના શૂટિંગ બાદ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ આદિત્ય રોય કપૂર સાથે કરશે. આ ફિલ્મ કયા વિષય પર આધારિત છે તેનો ખુલાસો હજુ થયો નથી. શ્રદ્ધાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની ખૂબ જ રાહ છે, કેમ કે શ્રદ્ધા અને આદિત્ય સારા મિત્રો છે અને અગાઉ પણ એકબીજા સાથે કામ કરી ચૂક્યાં છે. શ્રદ્ધા અને અાદિત્યના અફેરના સમાચારો પણ ખૂબ જ ચગ્યા હતા, પરંતુ બંનેએ આ અંગે જાહેરમાં કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. •

You might also like