હવે સાંસદ અને ધારાસભ્યો વકીલાતની પ્રેકટિસ કરી શકશે નહીં

નવી દિલ્હી, શુક્રવાર
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)એ દેશના એવા સાંસદ અને ધારાસભ્યને નોટિસ ફટકારી છે કે જેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને તેમને સાત દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. આ નોટિસના જવાબના આધારે આગામી દિવસોમાં સાંસદ અને ધારાસભ્ય તેમજ વિધાન પરિષદના સભ્ય પર વકીલાત કરવા પર પ્રતિબંધ આવે તેવી શક્યતા છે.

મનનકુમાર મિશ્રાએ આ અંગે જણાવ્યું કે વકીલોના સર્વોચ્ચ નિયામક વિભાગે એવા તમામ સાંસદ અને ધારાસભ્યને એક સપ્તાહમાં જવાબ આપવા જાણ કરી છે કે જેઓ વકીલાત કરી રહ્યા છે. બીસીઆઈ આ અંગે આગામી ૨૨ જાન્યુઆરીએ નિર્ણય લેશે. મિશ્રાએ જણાવ્યું કે નિયમ અનુસાર સરકારી કર્મચારી તરીકે વકીલાત કરી શકાય નહીં, કારણ આ બેવડા લાભ સમાન છે. અમે બીસીઆઈ સમક્ષ દાખલ કરેલી અરજીના આધારે આ નોટિસ જાહેર કરી છે.

બીસીઆઈએ અા પગલું ત્યારે ઉઠાવ્યું હતું કે જ્યારે દિલ્હી ભાજપના પ્રવક્તા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે બીસીઆઈના નિયમ અનુસાર અદાલતમાં હાજર થનારા ધારાસભ્ય અને સાંસદને વકીલાત કરવામાંથી રોકવાની અરજી દાખલ કરી હતી. જેમાં કેટલાક જાણીતા સાંસદ જેવા કે કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, અભિષેક મનુ સિંઘવી, કેટીએસ તુલસી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજી અને ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખી પાસેથી પણ જવાબ માગવામાં આવ્યો છે.

You might also like