હવે ટૂંક સમયમાં વિમાની પ્રવાસીઓને ફોન અને ઇન્ટરનેટની સુવિધા મળશે

નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં વિમાનમાં કોલ કરવા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી મળી જશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ડોટ)એ ઉડ્ડયન મંત્રાલયનેે એક પ્લાન મોકલ્યો છે. આ પ્લાન હેઠળ વિમાની પ્રવાસીઓ વિમાનમાં જ વોઇસ, વીડિયો અને ડેટા સર્વિસીસનો ઉપયોગ કરી શકશે.

એક અહેવાલ અનુસાર ડોટે વિમાનમાં કનેક્ટિવિટીને લઇને એક મહિના પૂર્વે ઇન્ડિયન ટેલિગ્રાફ રુલ્સ અને ઇન્ડિયન ટેલિગ્રાફ એકટમાં ફેરફાર માટેએક ડ્રાફટ પ્લાન સચિવોની એક સમિતિને મોકલ્યો હતો. તેને લઇને ગૃહ મંત્રાલય અને અંતરિક્ષ વિભાગે કેટલીક સ્પષ્ટતાઓ માગી છે. આ સ્પષ્ટતાઓ સાથે આ મહિનાના અંતે એક આખરી પ્રસ્તાવ તૈયાર કરીને મોકલી આપવામાં આવશે.

ગૃહ મંત્રાલયે એવું પણ પૂછયું છે કે વિમાનોમાં કનેક્ટિવિટી માટે કયા સેટેલાઇટનો (ભારતીય કે વિદેશી) ઉપયોગ કરવામાં આવશે? વિમાનોમાં કનેક્ટિવિટી જમીનથી હવામાં અને સેટેલાઇટ કોમ્યુનિકેશન દ્વારા આપી શકાય છે. જોકે ડોટનું માનવું છે કે વિમાનોમાં સેટેલાઇટ દ્વારા જ કનેક્ટિવિટી આપવામાં આવે. આ ઉપરાંત વિમાનોમાં વાયરલેસ ઇન્ટરનેટની પણ સુવિધા આપવામાં આવશે. તેને એક ઓન બોર્ડ રાઉટર દ્વારા આપવામાં આવશે. જે વિમાન પર લાગેલા એક એન્ટેના સાથે કનેકટ હશે. આ એન્ટેના સેટેલાઇટથી ઇન્ટરનેટ સિગ્નલને કેચ કરશે.
http://sambhaavnews.com/

You might also like