ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સને બદલે શોર્ટ સ્ટોરીઝની પ્રિન્ટ નીકળે છે વેન્ડિંગ મશીન દ્વારા

લંડનઃ ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સનાં કેન કાઢનાર વેન્ડિંગ મશીનો અંગે બધાંએ સાંભળ્યું હશે, પરંતુ લંડનના કેનેરી વ્હાર્ફ એસ્ટેટની નજીક એવાં વેન્ડિંગ મશીન લગાવાયાં છે, જેમાં ખાવા-પીવાની વસ્તુઓના બદલે શોર્ટ સ્ટોરીઝની પ્રિન્ટ નીકળે છે. એક વખત તમે બટન દબાવશો તો એકથી પાંચ મિનિટ સુધીની શોર્ટ સ્ટોરીઝની પ્રિન્ટ નીકળશે.

વેન્ડિંગ મશીનથી શોર્ટ સ્ટોરીઝ ઉપલબ્ધ કરાવવાનો આઇડિયા ફ્રાન્સની એક કંપની શોર્ટ એડિશનનો છે. કંપનીએ ફ્રાન્સ ઉપરાંત અમેરિકાના હોંગકોંગમાં પણ આ પ્રકારનાં મશીન લગાવ્યાં છે. લંડનમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરાઇ છે. કંપનીનું માનવું છે કે આજના સમયમાં લોકો ફોન સાથે ચીપકેલા રહે છે.

તેમનો મોટા ભાગનો સમય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વીતે છે. સારાં પુસ્તકો વાંચવાની આદત લગભગ ખતમ થઇ ગઇ છે. કંપનીનું ધ્યેય છે કે લોકોમાં ફરી વખત વાંચવાની આદત વિકસે. સૂત્રોનું કહેવું છે કે વેન્ડિંગ મશીનથી મળનારી સ્ટોરી બિલકુલ ફ્રી છે. ખાસ વાત એ છે કે જે કાગળ પર તે છપાયેલી હોય છે તે પર્યાવરણને અનુકૂળ છે. મશીનથી નીકળતી સ્ટોરીમાં અપરાધ સાથે જોડાયેલી કહાણીઓ ઉપરાંત ફિલગુડ ફિક્શન અને ચાર્લ્સ ડિકેન્સ, વર્જિનિયા વુલ્ફ જેવા લેખકોની રચનાઓ હોય છે.

You might also like