દુકાનમાં લૂંટ કરવા ઘૂસેલા ત્રણ યુવકોને પડકારી વેપારીએ એકને ઝડપી લીધો

અમદાવાદ: શહેરમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. ગઇ કાલે મોડી રાત્રે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં પોલીસ અ‌િધકારીની ઓળખ આપીને ત્રણ યુવકો લૂંટ કરવાના ઇરાદે આવ્યા હતા. જોકે દુકાનદારની સમજદારી અને બહાદુરીથી નકલી પોલીસ ઓફિસર લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
નરોડા વિસ્તારમાં આવેલ કમલ ડુપ્લેક્સમાં રહેતા 47 વર્ષિય મૂકેશભાઇ ગૌરીશંકર ઔઝાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. મૂકેશભાઇની નરોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટેલિફોન એક્સેન્જની બાજુમાં દુકાન આવેલી છે. આસપાસની દુકાનો વહેલી બંધ થઇ ગઇ હતી. મૂકેશભાઇને કોઇ કામ હોવાથી તેમણે દુકાન ચાલુ રાખી હતી. દરમિયાનમાં ત્રણ યુવક મૂકેશભાઇની દુકાન પર આવ્યા હતા અને પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઓફિસનો દરવાજો ખોલવાનો કહ્યો હતો.

મૂકેશભાઇને ત્રણેય યુવક પોલીસ ઓફિસર નથી તેવી શંકા જતાં તેમણે ઓફિસનો દરવાજો ખોલ્યો નહીં અને તેમને જતા રહેવાનું કહ્યું હતું. ત્રણ યુવકો પૈકી એક યુવકે કાચનો દરવાજો તોડી નાખ્યો હતો. મૂકેશભાઇએ તેને રોકવાની કોશિશ કરતાં બન્ને વચ્ચે મારામારી શરૂ થઇ ગઇ હતી જેમાં બે યુવકો ફરાર થઇ ગયા હતા ત્યારે એક યુવકને મૂકેશભાઇએ પકડી લીધો હતો. નરોડા પોલીસને જાણ કરાતાં પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

નરોડા પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા યુવકનું નામ રીતેશ ભરતભાઇ ગજ્જર (ગામ ધનીપુર, તાલુકો દહેગામ, જિલ્લા ગાંધીનગર) હોવાનું સામે આવ્યું છે. પોલીસે રીતેશ સાથે આવેલા બે યુવકો કોણ હતા તે મામલે પણ પૂછપરછ શરુ કરી છે. આ ઘટનામાં રીતેશે મૂકેશભાઇને મૂઢમાર મારતાં તેમને સામાન્ય ઇજા પહોંચી છે.
http://sambhaavnews.com/

You might also like