સરખેજથી શાંતિપુરાના સર્વિસ રોડને ૭.૫ મીટરનો કરવા વેપારીઅોની માગણી

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓ સરખેજ હાઈવે પરની સરખેજ ચોકડીથી શાંતિપુરા ચોકડી સુધીના ૧૨ મીટર પહોળા સર્વિસ રોડ પર દુકાન સહિતનાં ૪૦૦થી વધુ દબાણને હટાવવાની દિશામાં ગંભીર બનતાં વેપારીઅો રોષ ફેલાયો છે. તંત્રની આ કામગીરીથી વેપારીઓના ધંધા-રોજગારને વ્યાપક અસર થતી હોઈ દબાણગ્રસ્તોએ ૧૨ મીટરના બદલે ૭.૫૦ મીટરનો સર્વિસ રોડ કરવાની ઉચ્ચ સ્તરે ઉગ્ર માગણી કરી છે.

સરખેજ વેપારીમંડળ દ્વારા સરખેજથી શાંતિપુરાના દબાણના પગલે ગત તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. જો તંત્ર સર્વિસ રોડને ૧૨ મીટર પહોળો કરે તો મોટા પ્રમાણમાં દુકાનોને અસર થતી હોઈ તેમાં સુધારો કરવાની તે સમયે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ અંગે વેપારીમંડળના અગ્રણી હાર્દિક ઠક્કર કહે છે, ”જિલ્લા કલેક્ટરે અમારા આવેદનપત્રને ગંભીરતાથી લઈને નવા પશ્ચિમ ઝોનમાં મોકલી આપ્યું હતું. હવે આ અરજીને સંબંધિત અધિકારીઓએ તંત્રના બિલ્ડિંગ પ્લાન સ્ક્રૂટિની પુલ (બીપીએસપી) વિભાગને ઘટતા સુધારા કરવા મોકલી આપી છે.

જો મ્યુનિસિપલ સત્તાવાળાઓ ૧૨ મીટરના બદલે ૭.૫ મીટરના સર્વિસ રોડની વેપારીઓની માગણીને માન્ય રાખશે તો કપાત હેઠળ માત્ર દસ દુકાનને હટાવવી પડશે, જ્યારે અન્ય દુકાનના ઓટલા કે આંશિક ભાગને દૂર કરવાનો થતો હોઈ મોટા ભાગના વેપારીઓના ધંધા-રોજગાર જળવાઈ રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારે વેપારીઓની રજૂઆત પ્રત્યે સકારાત્મક વલણ દાખવ્યું હોવાનું જણાવીને તેમણે એવો દાવો કર્યો હતો કે અમે ઔડા સમક્ષ પણ વિધિવત્ રજૂઆત કરતાં ઔડાના સત્તાવાળાઓએ પણ આ પ્રશ્ને સંવેદનશીલતા દાખવી છે.

You might also like